તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
ડિજિટલ ક્રાંતિ સાથે ગુજરાતમાં વસ્તી ગણતરીનો શંખનાદ: જૂન મહિનાથી હાઈટેક સર્વેક્ષણનો પ્રારંભ, હવે નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન આપી શકશે પોતાની માહિતી
દેશની 16મી વસ્તી ગણતરીમાં પ્રથમવાર જિયો ટેગિંગ અને 'ડિજી ડોટ' ટેકનોલોજીનો ઉપયોગ: બે તબક્કામાં યોજાનારા આ મહાઅભિયાનથી આપત્તિ વ્યવસ્થાપન અને શહેરી આયોજનને મળશે નવી દિશા

ગાંધીનગર: ભારતમાં કોરોનાકાળ બાદ વિલંબિત થયેલી 16મી વસ્તી ગણતરીની પ્રક્રિયા હવે આધુનિક ટેકનોલોજીના સથવારે શરૂ થવા જઈ રહી છે. ગુજરાતમાં આગામી જૂન મહિનાથી આ ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ થશે, જે મુખ્યત્વે બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં હાઉસલિસ્ટિંગ દ્વારા મકાનોની વિગતો મેળવાશે અને બીજા તબક્કામાં મુખ્ય વસ્તી ગણતરી થશે. આ વખતે પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે નાગરિકોને ઘરે-ઘરે સર્વેક્ષણ શરૂ થાય તેના 15 દિવસ પહેલા જ ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો જાતે ભરવાની સુવિધા આપવામાં આવી છે, જે 16 વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે.
વસ્તી ગણતરીની આ નવી પદ્ધતિમાં સુરક્ષા અને સચોટતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ડિજિટલ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે મોબાઈલ OTP વેરિફિકેશન અનિવાર્ય રહેશે, જેમાં પરિવારના મુખ્ય વ્યક્તિના નામથી લઈને મકાનનો પ્રકાર અને સુવિધાઓ જેવી વિગતો ભરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા બાદ જનરેટ થનાર SE ID ભવિષ્યમાં તપાસ માટે આવનાર સરકારી કર્મચારીને બતાવવાનો રહેશે. આ ડેટાને ડિજિટલ મેપ પર 'ડિજી ડોટ' તરીકે અંકિત કરવામાં આવશે, જેનાથી ચોક્કસ વિસ્તારમાં વસ્તીની ગીચતા અને ભૌગોલિક સ્થિતિની સચોટ જાણકારી સરકાર પાસે ઉપલબ્ધ રહેશે.
આ હાઈટેક ડેટાના અનેકવિધ ફાયદાઓ છે જે ભવિષ્યના વિકાસ આયોજનમાં પાયારૂપ બનશે. કુદરતી આપત્તિના સમયે કયા ઘરમાં કેટલા લોકો છે તેની ચોક્કસ માહિતી હોવાથી બચાવ કામગીરી અને રાહત પેકેટની વહેંચણી વધુ ઝડપી બનશે. આ ઉપરાંત, જિયો ટેગિંગ દ્વારા મતદાર યાદીમાંથી ડુપ્લિકેટ નામો દૂર કરવામાં અને સીમાંકનની પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં મોટી સફળતા મળશે. જે વિસ્તારમાં બાળકોની સંખ્યા વધુ હશે ત્યાં પ્રાથમિકતાના ધોરણે શાળાઓ અને બગીચાઓ બનાવવાનું આયોજન પણ આ ડિજિટલ લેઆઉટની મદદથી સચોટ રીતે કરી શકાશે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
