તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
જનગણના ૨૦૨૭ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની સ્વ-ગણતરી ઓનલાઈન માધ્યમથી પૂર્ણ કરીને ડિજિટલ વસ્તી ગણતરીનો કરાવ્યો ઔપચારિક પ્રારંભ
રાજ્યના નાગરિકોને ૩૧ મે ૨૦૨૬ સુધીના ૧૫ દિવસમાં વિગતો સબમિટ કરી રાષ્ટ્રીય કવાયતમાં ભાગ લેવા અનુરોધ : ઇતિહાસમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી વેબ પોર્ટલ અને મોબાઇલ એપ દ્વારા ઘરેબેઠા માહિતી આપી શકાશે

ગાંધીનગર : ગુજરાતમાં જનગણના ૨૦૨૭ અન્વયે આજથી શરૂ થયેલી સ્વ-ગણતરી (સેલ્ફ-ઇન્યુમરેશન) નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી ઔપચારિક પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વસ્તી ગણતરીના સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાના પરિવારની જરૂરી વિગતો ઓનલાઈન ભરીને આ પ્રક્રિયાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યના તમામ નાગરિકોને પણ રાષ્ટ્રીય સ્તરની આ અત્યંત મહત્વપૂર્ણ કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા માટે હાર્દિક અપીલ કરી હતી, જેથી એક સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિક પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે.
૩૧ મે સુધી નાગરિકો જાતે વિગતો ઓનલાઇન ભરી શકશે:
રાજ્યના લોકોને આજથી શરૂ કરીને તારીખ ૩૧ મે ૨૦૨૬ સુધીના નિર્ધારિત ૧૫ દિવસના સમયગાળામાં પોતાની વિગતો જાતે ઓનલાઇન સબમિટ કરવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે, ભારતના ઇતિહાસમાં વસ્તી ગણતરી-૨૦૨૭ પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ મોડથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ અનોખી પહેલ નાગરિકોને એક અત્યંત સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેના થકી લોકો ગમે ત્યાંથી પોતાની સચોટ માહિતી ઓનલાઇન સબમિટ કરી સમય અને શ્રમનો બચાવ કરી શકશે.
સત્તાવાર પોર્ટલ પરથી મેળવી શકાશે જરૂરી માર્ગદર્શન:
દેશના નાગરિકો વસ્તી ગણતરીની સત્તાવાર વેબસાઇટ https://se.census.gov.in/ પર જઈને જરૂરી માર્ગદર્શન મેળવી પોતાની સ્વ-ગણતરીની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકે છે. સક્રિય નાગરિક ભાગીદારીથી ઓનલાઈન વિગતો ભરાવવાથી સરકારને સમયસર અને બિલકુલ સચોટ માહિતી પ્રાપ્ત થશે. ગુજરાતમાં આ પ્રથમ તબક્કાની ગણતરી ૧૭ મે થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન વેબ પોર્ટલ પર લાઈવ રહેશે, જ્યાં નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ-ગણતરીમાં સીધા સહભાગી થઈ શકશે.
જૂન મહિનામાં ૧ લાખથી વધુ કર્મચારીઓ હાથ ધરશે હાઉસ લિસ્ટીંગ:
આ ઓનલાઇન સ્વ-ગણતરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ, આગામી તારીખ ૧ જૂન થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન બીજા તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ગાળા દરમિયાન રાજ્યભરમાં ૧ લાખથી વધુ વસ્તી ગણતરીના તાલીમબદ્ધ કાર્યકર્તાઓ દ્વારા પ્રત્યક્ષ રીતે વિસ્તારોની મુલાકાત લઈને હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે પોતાની વિગતો સ્વ-ગણતરી અંતર્ગત ઓનલાઇન સબમિટ કરી તે ગૌરવપૂર્ણ ક્ષણે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક સુંદર સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું અને ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી જનગણના અંગેની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ વહીવટી રોડમેપ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
