<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સંત શ્રી રવિદાસજીની 650મી જન્મજયંતિ વર્ષની ઉજવણી તેમના સામાજિક સમરસતા, સમાનતા, માનવતા અને ભાઈચારા સહિતના જીવનમૂલ્યોને જનજન સુધી પહોંચાડવાનું રાષ્ટ્રીય અભિયાન

જિલ્લા-મહાનગરોમાં દરેક મંડળ અને ગુજરાતના 16 હજાર ગામડાં સુધી સંત રવિદાસજીના સમરસતાના સંદેશ સાથે શ્રી રવિદાસ મહારાજજીની જન્મભૂમિની પવિત્ર માટી ભરેલા કળશ સાથેનો રથ જશે: જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે આજે અમદાવાદ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્ય અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજના 650 માં જન્મજયંતી વર્ષ સંદર્ભે ભાજપાના સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ રાજ્યના જિલ્લા-મહાનગરોમાં મંડલ સ્તરે અને રાજ્યના ૧૬ હજારથી વધુ ગામમાં સામાજિક સમરસતા, સમાનતા અને ભાઈચારાના સંદેશ સાથે યોજાનાર કળશયાત્રા અંતર્ગત શ્રી ગુરૂ રવિદાસ મહરાજની જન્મભૂમિની માટીથી ભરેલા કળશ સાથેના રથોને પ્રસ્થાન કરાવ્યું હતું.
   આ અવસરે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનની શરૂઆત દેશના પૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન, ઓજસ્વી વક્તા અને કાર્યકર્તાઓના પ્રેરણાસ્રોત શ્રદ્ધેય અટલજીની પુણ્યતિથિ નિમિત્તે તેઓને ભાવાંજલિ અર્પણ કરીને કરી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને અટલજીએ લીધેલા ઐતિહાસિક નિર્ણયો, લોકશાહીના મૂલ્યોને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા અને જનહિતલક્ષી સુશાસન માટેનું તેમનું અવિસ્મરણીય યોગદાન દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતું રહેશે.
   જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સંત શિરોમણી શ્રી રવિદાસજીની 650મી જન્મજયંતિ વર્ષ ઉજવવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનજીનો નિર્ણય માત્ર એક ઉજવણી પૂરતો સીમિત નથી પરંતુ સંત રવિદાસજીના વિચારો, જીવનદર્શન અને સમરસતાના સંદેશને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું એક રાષ્ટ્રીય અભિયાન છે. 650 વર્ષ પહેલાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા સંત રવિદાસજીએ સમાજને જ્ઞાન, ભક્તિ, માનવતા અને સમરસતાનો માર્ગ બતાવ્યો હતો. સંત રવિદાસજી માનતા હતા કે મનુષ્ય જન્મ કે જાતિના આધારે શ્રેષ્ઠ બનતો નથી, પરંતુ પોતાના કર્મો અને માનવતા પ્રત્યેના પ્રેમથી મહાન બને છે. જે સમયે સમાજ રૂઢિચુસ્તતા અને અનેક કુરિવાજોથી ઘેરાયેલો હતો, તે સમયે સંત રવિદાસજીએ આ કુરિવાજોને પડકારવાની હિંમત કરી હતી અને સમાનતા તથા સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો.

 જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, સંત રવિદાસજીના આદર્શોથી પ્રેરિત થઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને ભાજપાની સરકારો સમાજના દરેક વર્ગના સશક્તિકરણ તથા રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરી રહી છે. આ અભિયાન સંદર્ભે  ગુજરાત પ્રદેશ ભાજપાની ટીમને તેઓએ વ્યાપક, લોકભાગીદારીપૂર્ણ અને દેશભરમાં અનોખું ઉદાહરણ બને તે રીતે આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. આ માટે પ્રદેશની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. વારાણસી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગુજરાત સહિત દેશભરમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કળશ ગુજરાતની ટીમને પ્રાપ્ત થયા બાદ કળશ યાત્રાનું અંબાજી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અમદાવાદના પવિત્ર જગન્નાથ મંદિરે પણ કળશનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. 
જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ રાજ્યના જિલ્લા-મહાનગરોમાં દરેક મંડળ સુધી અને ગુજરાતના આશરે 16 હજાર ગામડાં સુધી સંત રવિદાસજીના સમરસતાના સંદેશને લઈ જશે. આજે આ પવિત્ર કળશોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમણે તમામ જિલ્લા અને સંગઠનના કાર્યકર્તાઓને કળશના ભવ્ય સ્વાગત થાય તથા તેની પવિત્રતા અને મહત્વ લોકો સુધી પહોંચે તે માટે આહ્વાન કર્યું હતું. આ માટી માત્ર માટી નથી, પરંતુ સંત રવિદાસજીના જીવનમૂલ્યો, સમરસતા અને સમાજને જોડવાના સંકલ્પનું પ્રતીક છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુજરાત ભાજપા દ્વારા રાજ્યના અનેક મંદિરોમાં પૂજા-અર્ચના સાથે દીપોત્સવ જેવા ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગુજરાતમાં આશરે 6 લાખ 51 હજાર દીપ પ્રગટાવી સંત રવિદાસજીના વિચારો અને સમરસતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં પણ 53 હજારથી વધુ સ્થળોએ દીપોત્સવના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં સમાજના વિવિધ વર્ગોના લોકોની સહભાગિતા એ સંત રવિદાસજીના વિચારો પ્રત્યે સમાજની વ્યાપક સ્વીકૃતિ અને આદરનું પ્રતીક છે.
તેમણે આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, 650 વર્ષ પહેલાં એક સામાન્ય પરિવારમાં જન્મેલી વ્યક્તિ સમાજની સમરસતા અને માનવતાના ક્ષેત્રમાં કેટલું મોટું યોગદાન આપી શકે છે, તે વિચાર સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવો એ આપણી સૌની જવાબદારી છે. સંત રવિદાસજીના જીવન અને વિચારોમાંથી પ્રેરણા લઈને સમાજમાં ભેદભાવને દૂર કરી પરસ્પર સન્માન, એકતા, સમરસતા અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ વર્ષને રાષ્ટ્રીય સ્તરે ઉજવવાનો જે સંકલ્પ કર્યો છે, તેના મૂળ ભાવને ગુજરાતના દરેક ગામ અને દરેક સમાજ સુધી પહોંચાડીને આ અભિયાનને જનઆંદોલન બનાવીએ.
ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ સંત શ્રી રવિદાસ મહારાજ, મહર્ષિ વાલ્મીકિજી, ડો. બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બિરસા મુંડા સહિત અનેક  મહાનુભાવોના યોગદાનને યોગ્ય રીતે યાદ કરવામાં આવ્યું નહોતું. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના મંત્ર સાથે સમાજના દરેક વર્ગના મહાપુરુષો અને સંતોના વિચારોને સન્માન મળી રહ્યું છે. સંત શ્રી રવિદાસ મહારાજના વાણી, વિચાર અને ભાવનાને જન-જન સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તેમની 650મી જન્મજયંતિ વર્ષને વ્યાપક રીતે ઉજવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

 આર્યએ જણાવ્યું હતું કે, સંત શ્રી રવિદાસ મહારાજે પોતાના સમયમાં જ્યારે સમાજમાં ભય, અસુરક્ષા, બળજબરીથી ધર્માંતરણ અને સામાજિક અન્યાયની પરિસ્થિતિ હતી ત્યારે ભગવાન શ્રી રામની ભક્તિ સાથે સમાજને સમાનતા, ભાઈચારા અને માનવતાનો માર્ગ બતાવ્યો હતો. સંત રવિદાસજીની વાણીના માધ્યમથી તેમણે સામાજિક ભેદભાવ અને અન્યાયનો વિરોધ કર્યો હતો. તેઓ માનતા હતા કે મનુષ્યની શ્રેષ્ઠતા તેના જન્મથી નહીં પરંતુ તેના કર્મ, ચારિત્ર્ય અને વ્યવહારથી નક્કી થાય છે. સામાજિક ન્યાય, સમરસતા અને ભક્તિનો તેમનો સંદેશ આજે પણ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. સંત શ્રી રવિદાસ મહારાજની મહાનતાનો પરિચય એ વાત પરથી પણ મળે છે કે ચિતોડની મહારાણી મીરાબાઈ સહિત અનેક મહાનુભાવો તેમના શિષ્ય બનવા માટે આતુર હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંત શ્રી રવિદાસ મહારાજના વિચારોને માત્ર શબ્દોમાં નહીં પરંતુ જનકલ્યાણના અનેકવિધ કાર્યો દ્વારા પણ સાકાર કર્યા છે. દેશના 81 કરોડ લોકોને અન્નની ચિંતા ન રહે તે માટેની કલ્યાણકારી વ્યવસ્થાથી લઈને સમાજના વંચિત અને પછાત વર્ગોના ઉત્થાન સુધીના અનેક પ્રયાસોમાં અંત્યોદય અને સામાજિક ન્યાયની ભાવના જોવા મળે છે. સંત શ્રી રવિદાસ મહારાજની જન્મજયંતિની ઉજવણી એક દિવસ કે એક મહિના પૂરતી સીમિત નહીં રાખીને સાત મહિના સુધી વિવિધ કાર્યક્રમો સાથે કરવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું છે. સંત રવિદાસજીની જન્મભૂમિની પવિત્ર માટીને કળશમાં લઈને દેશના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવાનું આ અભિયાન તેમના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો પવિત્ર પ્રયાસ છે.
 લાલસિંહ આર્યએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ચાલી રહેલા આ અભિયાન અંતર્ગત ગુજરાતે 16 હજારથી વધુ ગામો સુધી સંત શ્રી રવિદાસ મહારાજની જન્મભૂમિની પવિત્ર માટી ધરાવતા કળશ પહોંચાડવાનો સંકલ્પ લઈને અનોખી પહેલ કરી છે. ભાજપા દ્વારા વિવિધ રાજ્યોમાં પણ આ પવિત્ર કળશનું શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને રાજ્યના મુખ્યમંત્રીઓ સહિતના આગેવાનોએ પવિત્ર માટીને શિરે ધારણ કરી સન્માન કર્યું છે. તેમણે ભાજપાના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે, રાજ્યના દરેક મંડલ અને જિલ્લામાં યોજાનારી કળશયાત્રા દરમિયાન તમામ સંપ્રદાયોના સંતો-મહંતોના આશીર્વાદ મેળવવામાં આવે તથા સંત શ્રી રવિદાસ મહારાજના સમરસતા, સમાનતા, ભાઈચારો અને માનવતાના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવામાં આવે.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ ડૉ. પ્રદ્યુમનભાઈ વાઝા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મહામંત્રીઓ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ,  અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જશ્રી ગૌતમભાઇ ગેડિયા, સાંસદઓ શ્રી હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, વિનોદભાઈ ચાવડા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથજી ટુંડિયા, અભિયાનની પ્રદેશની ટીમ, જિલ્લા-મહાનગરના અધ્યક્ષ, મહામંત્રી તથા અભિયાનની ટીમ અને અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં

(6:56 PM IST)