<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના બિલ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલો સીસી રોડ હાથથી જ ઉખડી ગયો: કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતાં ગ્રામજનોમાં ભારે રોષ, તંત્રએ તપાસના આદેશ આપ્યા

બિલ ગામે 15 લાખના ખર્ચે બનેલો રોડ ગણતરીના દિવસોમાં જ ઉખડી જતાં ગ્રામજનોએ વીડિયો વાયરલ કર્યો: હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યાનો આક્ષેપ, સિમેન્ટ-રેતીનું પ્રમાણ ન જળવાતા રોડ કાચો, ટીડીઓએ સેમ્પલ લેબમાં મોકલ્યા

વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના બિલ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો સીસી રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે ગણતરીના દિવસોમાં જ ઉખડી જતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ જાતે જ રોડનો કેટલોક હિસ્સો હાથથી ઉખાડીને વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર દોડતું થયું છે.

 

બિલ ગામમાં આશરે 15 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવવાની કામગીરી થોડા દિવસ પહેલા જ પૂર્ણ થઈ હતી. પરંતુ રોડ બન્યાના થોડા દિવસમાં જ રોડની સપાટી ઉખડવા લાગી હતી. સ્થાનિક યુવાનોએ રોડની ગુણવત્તા ચકાસતા આખો રોડ હાથથી જ ઉખડી જતો હોવાનું સામે આવ્યું હતું. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરે સિમેન્ટ-રેતીનું પ્રમાણ બરાબર રાખ્યું નથી અને અત્યંત હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે.

 

આ મામલે ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ગ્રામજન કનુભાઈ પટેલે જણાવ્યું કે "લાખો રૂપિયા ખર્ચીને બનેલો રોડ જો હાથથી ઉખડી જતો હોય તો સમજી શકાય કે કેટલો ભ્રષ્ટાચાર થયો હશે. આ રોડ પરથી રોજ બાળકો શાળાએ જાય છે, વાહનો પસાર થાય છે. આવી હલકી કામગીરીથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે."

 

ઘટના વાયરલ થતાં પાદરા ટીડીઓ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવી છે અને રોડના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ટીડીઓએ જણાવ્યું કે રિપોર્ટ આવ્યા બાદ કસૂરવાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને રોડ ફરીથી બનાવવાની કાર્યવાહી હાથ ધરાશે. આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા વિકાસ કામોની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે.

(2:27 PM IST)