News of Friday, 29th May 2026
સી.બી.એસ.ઈ. પરિણામ ગોટાળોઃ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલઃ ન્યાયિક તપાસની માંગ ઉઠાવતા : ડો. મનીષ દોશી

રાજકોટ : તા.૨૯: સી.બી.એસ.ઈ. પરીક્ષા પરિણામોમાં થયેલી ગંભીર ગોટાળા - ગેરરીતી - ગોલમાલ અને દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ચેડા અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ના રાજીનામાંની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા આજે માનસિક આઘાતમાં છે.
વર્ષો સુધી મહેનત કરનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે બેદરકારીપૂર્વક રમત કરવામાં આવી છે. છતાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મૌન ધારણ કરીને બેઠા છે ન કોઈ જવાબદારી, ન કોઈ સંવેદના, ન કોઈ સ્પષ્ટતા.
સી.બી.એસ.ઈ જેવી રાષ્ટ્રીય સંસ્થાની પરીક્ષા પ્રક્રિયા અને પરિણામ વ્યવસ્થાપનની જવાબદારી COEMPT નામની કંપનીને સોંપવામાં આવી. આ જ કંપની અગાઉ Globarena નામથી તેલંગાણામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ગંભીર વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. નામ બદલાયું હશે, પરંતુ કામ કરવાની રીત અને બેદરકારી એ જ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સમગ્ર ઇતિહાસ જાણીતા હોવા છતાં આવી કંપનીને દેશના આશરે ૧૮.૫ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સોંપવામાં આવ્યું.
ભારતમાં કુલ ૩૩,૧૦૦થી વધુ સી.બી.એસ.ઈ. શાળાઓ છે અને ગુજરાતમાં જ ૩૨૯થી વધુ સી.બી.એસ.ઈ. શાળાઓ કાર્યરત છે. ધોરણ ૧૦ અને ૧૨ના મળીને આશરે ૪૪.૭૦ લાખ વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત નિર્ણાયક હોય છે. આવા સમયમાં સિસ્ટમની નિષ્ફળતા અને ગેરવ્યવસ્થા વિદ્યાર્થીઓમાં નિરાશા, માનસિક તણાવ અને અવિશ્વાસ ઊભો કરે છે. સી.બી.એસ.ઈ. બોર્ડના વિદ્યાર્થીઓ સતત ઓન સ્ક્રીન ર્માકિંગ (OSM) પર સવાલો ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે OSMના કારણે તેમનું પરિણામ બગડી ગયું છે.
કૉપી ચેકિંગ દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જેમ કે, ઘણા વિદ્યાર્થીઓની સ્કેન કરેલી કૉપીઓ ધૂંધળી હતી, કેટલાક પાનાં ગાયબ હતા સ્ટેપ ર્માકિંગ યોગ્ય રીતે ન થતાં ગુણ ઓછા મળ્યા. સિસ્ટમએ લખેલા જવાબવાળા પાનાને ખાલી (બ્લેન્ક) બતાવ્યો. કૉપી ચકાસનાર શિક્ષકોને માત્ર ૭ દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
સમગ્ર મામલાની તાત્કાલિક સ્વતંત્ર ન્યાયિક તપાસ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવળત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ SITની રચના કરવામાં આવે. જવાબદાર અધિકારીઓ અને કંપની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સમયબદ્ધ ન્યાય અને પારદર્શક સુધારાની ખાતરી આપવામાં આવે. તેવી મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ માંગણી ઉઠાવી છે
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
