<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

વીમા કંપનીને લાખોનો ચૂનો લગાવનારા ભ્રષ્ટાચારીઓ સામે CBIનો ‘હથોડો’: ૨૦ વર્ષ જૂના કૌભાંડમાં સર્વેયર સહિત ૪ આરોપીઓને જેલ અને દંડની સજા

બનાવટી દસ્તાવેજોના આધારે ૩૧ લાખના ખોટા ક્લેમ પાસ કરાવવાનું પાપ ભારે પડ્યું; અમદાવાદ સ્પેશિયલ કોર્ટે આરોપીઓને ૩ વર્ષની કેદ ફટકારી કાયદાનું ભાન કરાવ્યું

અમદાવાદ : અમદાવાદની સ્પેશિયલ CBI કોર્ટે વીમા ક્ષેત્રે છેતરપિંડી આચરનારા તત્વો માટે લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. વર્ષો જૂના વીમા કૌભાંડમાં સંડોવાયેલા એક સરકારી સર્વેયર અને ત્રણ ખાનગી વ્યક્તિઓને કોર્ટે દોષિત ઠેરવી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ખોટા પુરાવા ઊભા કરી સરકારી વીમા કંપની ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના ગુનામાં અદાલતે કડક વલણ અપનાવ્યું છે.
કોણે-કોણે ભોગવવો પડશે જેલવાસ?
CBI કોર્ટે આ મામલે વડોદરાના તત્કાલીન સર્વેયર જતિન ભાનુભાઈ જોષી ઉપરાંત મધુસુદન ડી. ભાવસાર, ઈલા એન. પટેલ અને વિજય અરવિંદભાઈ કાયસ્થને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ તમામ દોષિતોને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ભરવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કૌભાંડ મામલે CBI દ્વારા જુલાઈ ૨૦૦૩માં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.
શું હતી આખી મોડસ ઓપરેન્ડી?
CBIની તપાસમાં બહાર આવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૩ દરમિયાન સુરત અને વડોદરા વિસ્તારમાં આરોપીઓએ એક વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. જેમાં ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડના સિનિયર ડિવિઝનલ મેનેજર રોનાલ્ડ અમરજીત જેમ્સની સંડોવણી પણ હતી. આરોપીઓએ આગ લાગવાના બનાવના ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને તેના આધારે અંદાજે ૩૧.૬૦ લાખ રૂપિયાના ફાયર ઇન્શ્યોરન્સ ક્લેમ મંજૂર કરાવી લીધા હતા. સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવા માટે સર્વેયર અને ખાનગી વ્યક્તિઓએ હાથ મિલાવ્યા હતા.
૨૦ વર્ષની કાયદેસરની લડતનો આવ્યો અંત
CBIએ આ કેસમાં વર્ષ ૨૦૦૪માં ચાર્જશીટ રજૂ કરી હતી. લાંબી સુનાવણી દરમિયાન આ કેસના મુખ્ય આરોપી રોનાલ્ડ અમરજીત જેમ્સ તેમજ અન્ય બે આરોપીઓ નિલેશ પટેલ અને ઉમેશ પટેલના મૃત્યુ થયા હતા, જેના કારણે તેમની સામેના કેસ રદ કરવામાં આવ્યા હતા. જોકે, બાકી રહેલા ચાર આરોપીઓ સામે CBIએ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. છેવટે, કોર્ટે તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખી ભ્રષ્ટાચારીઓને પાઠ ભણાવતો આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.
આ ચુકાદાથી સરકારી વિભાગોમાં બેસીને કૌભાંડ આચરતા ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

(11:04 PM IST)