તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
સાવધાન! ગુજરાતમાં 'અગનવર્ષા'નો કહેર: પારો ૪૬ ડિગ્રીએ પહોંચશે, ૧૧ થી ૧૭ મે ભીષણ હીટવેવની આગાહી
હવામાન વિશ્લેષક નિતેશ વડાવીયાની ચેતવણી: ગરમ પવનો સાથે 'લૂ' ફૂંકાશે, ૧૭ તારીખ બાદ ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા

રાજકોટ : રાજ્યમાં ઉનાળો હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ૧.૫ થી ૨ ડિગ્રી જેટલું ઊંચું નોંધાઈ રહ્યું છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. આગામી દિવસોમાં આ સ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા હવામાન વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિશ્લેષક નિતેશ વડાવીયાના જણાવ્યા અનુસાર, તા. ૧૧ મે થી ૧૭ મે દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો હજુ વધુ ઊંચે જશે. હાલ જે તાપમાન ૪૧.૫ થી ૪૩.૫ ડિગ્રીની આસપાસ છે, તે વધીને ૪૩.૫ થી ૪૬ ડિગ્રીની વચ્ચે પહોંચી શકે છે. આ વધારો સામાન્ય તાપમાન કરતા ઘણો વધારે હોવાથી હીટવેવ (ગરમ લૂ) જેવી સ્થિતિનું નિર્માણ થશે.
આ આગાહી મુજબ, માત્ર તાપમાન જ નહીં પરંતુ પવનની ગતિમાં પણ ક્રમશઃ વધારો જોવા મળશે. ગરમ પવનો ફૂંકાવાને કારણે લોકોને 'લૂ' લાગવાનો અહેસાસ થશે. ખાસ કરીને બપોરના સમયે પવનના સુસવાટા ગરમીની તીવ્રતામાં વધારો કરશે, જે સનસ્ટ્રોક (લૂ લાગવી) માટે જોખમી બની શકે છે. તેથી નાગરિકોને આ સમયગાળા દરમિયાન કામ વગર બહાર ન નીકળવા અને સ્વાસ્થ્યની કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે.
સતત વધતી જતી આ ગરમી વચ્ચે એક રાહતના સમાચાર પણ છે. ૧૧ થી ૧૬ મે સુધી અસહ્ય ગરમી સહન કર્યા બાદ, ૧૭ મેથી વાતાવરણમાં થોડો પલટો આવવાની શક્યતા છે. ૧૭ તારીખથી ઉંચા તાપમાનમાંથી ૧ થી ૩ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી લોકોને આકરી ગરમીમાંથી આંશિક રાહત મળશે.
એલ નિનો ની ટૂંકી જાણકારી સાથે તેમણે જણાવેલ કે અમેરિકન ક્લામેટ એજન્સી Noaa ના માપદંડ મુજબ ચાલુ માસ થી enso ન્યુટ્રલ સ્થિતિ માં છે.જે એપ્રિલ થી જૂન ના ત્રિમાસિક ગાળા સુધી યથાવત રહી શકે.
બાદ મે - જુન - જુલાઈ ના ત્રિમાસિક ગાળા માં એલ નિનો પ્રથમ ચરણ થી ઉભરી આવે તેવી શક્યતા છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
