તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
પશુઓ પર નરાધમોએ દાહક અને જલદ એસિડ ફેંક્યોઃ પીઠ-પેટની ચામડી ઉખડી જતાં પશુઓ લોહીલુહાણ
રસ્તા પર ફરતા અને લટાર મારતા ૪ થી ૫ જેટલા ગાય-આખલા જેવા અબોલ પશુઓ પર કોઈ અજાણ્યા નરાધમોએ દાહક અને જલદ એસિડ ફેંક્યો હતા

અમદાવાદ: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક, ક્રૂર અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. પારડી તાલુકાના પલસાણા ગામે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા નિર્દોષ અને અબોલ પશુઓ પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. રખડતા મૂંગા જીવો પર આ પ્રકારની અમાનવીય અને રાક્ષસી ક્રૂરતા આચરવામાં આવતા સમગ્ર પંથકના પશુ પ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.
મળતી વિગતો મુજબ, પલસાણા ગામે રસ્તા પર ફરતા અને લટાર મારતા ૪ થી ૫ જેટલા ગાય-આખલા જેવા અબોલ પશુઓ પર કોઈ અજાણ્યા નરાધમોએ દાહક અને જલદ એસિડ ફેંક્યો હતો. આ એસિડ હુમલો એટલો ભયાનક હતો કે એસિડ પડવાને કારણે તમામ પશુઓની પીઠ અને પેટના ભાગેથી ચામડી આખેઆખી ઉખડી ગઈ છે. ચામડી બળી જવાને કારણે પશુઓ અસહ્ય પીડાથી કણસી રહ્યા છે અને તેમના શરીરમાંથી લોહીની સેર ફૂટી નીકળતા તેઓ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા.
આ કરુણ દ્રશ્યો સોશિયલ મીડિયા પર અને સ્થાનિક સ્તરે વાયરલ થતાં જ પશુ કલ્યાણ સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ તાત્કાલિક પલસાણા ગામે દોડી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી પીડાતા પશુઓની સારવાર માટે વેટરનરી ડોક્ટરોની ટીમ બોલાવી મલમ-પટ્ટી અને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે. મૂંગા પશુઓ કોઈનું કંઈ બગાડતા ન હોવા છતાં તેમની પર આવો ઘાતકી હુમલો કરનારા વિકૃત માનસિકતા ધરાવતા લોકો સામે સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ છે.
ગ્રામજનો અને પશુ પ્રેમીઓએ વહીવટી તંત્ર અને પોલીસ સમક્ષ માંગ કરી છે કે વીડિયો ફૂટેજ ચકાસીને આ ઘોર પાપ કરનારા નરાધમોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમની સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
