<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

પાટણમાં પશુપાલકોની દાદાગીરી: પાલિકાની ટીમને ધમકાવી પાંજરે પૂરેલા ઢોર છોડાવ્યા: CCTVમાં કેદ ઘટના

લાકડીઓ સાથે આવેલા ટોળાએ નગરપાલિકાની કાર્યવાહી રોકી; જાહેર રસ્તા પર ઢોર દોડતા અફરાતફરીનો માહોલ

ગુજરાતના પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને કાબૂમાં લેવા માટે કાર્યવાહી કરી રહેલી નગરપાલિકાની ટીમ સામે કેટલાક પશુપાલકો ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. હાથમાં લાકડીઓ લઈને આવેલા ટોળાએ સરકારી કર્મચારીઓને ડરાવી-ધમકાવીને પાંજરે પૂરેલા પશુઓને બળજબરીથી મુક્ત કરાવી લીધા હતા. સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે.

માહિતી મુજબ, ઘટના પાટણ શહેરના જુના પાવર હાઉસ વિસ્તારમાં બની હતી. પાટણ નગરપાલિકાની ઢોર નિયંત્રણ ટીમ જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડીને ઓટોમેટિક ઢોર વાહનમાં ભરી રહી હતી. પકડાયેલા પશુઓને પાંજરાપોળ તરફ લઈ જવાની તૈયારી ચાલી રહી હતી, તે દરમિયાન કેટલાક પશુપાલકો લાકડીઓ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા.

પશુપાલકોએ સ્થળ પર હોબાળો મચાવી નગરપાલિકાના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. CCTV ફૂટેજમાં જોવા મળે છે કે ટોળાએ પાલિકાના વાહનને ઘેરી લીધું હતું અને દાદાગીરીના જોરે ગાડીના પાંજરાના દરવાજા ખોલીને અંદર પૂરેલા પશુઓને બહાર કાઢી લીધા હતા. પશુપાલકોની આક્રમકતા જોઈ કર્મચારીઓ પણ લાચાર બની પોતાની સુરક્ષા માટે પાછળ હટી ગયા હતા.

પાંજરામાંથી છોડાવવામાં આવેલા પશુઓ જાહેર માર્ગ પર આડેધડ દોડવા લાગતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ભરચક માર્ગ પર અચાનક પશુઓ દોડતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ મોટો અકસ્માત સર્જાયો ન હતો, પરંતુ આ ઘટનાએ જાહેર સુરક્ષા સામે ગંભીર ચિંતા ઉભી કરી છે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી ફરજમાં અવરોધ ઉભો કરનારા અને જાહેર જનતાની સુરક્ષા જોખમમાં મુકનારા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. જાણવા મળ્યું છે કે પાલિકા પ્રશાસન પણ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવાની તૈયારીમાં છે

(2:35 PM IST)