<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

સુરતમાં છેલ્લા બે દિવસમાં અસરગ્રસ્ત 2,500 પરિવારોને 1.50 કરોડની કેશ ડોલ્સ ચૂકવાઈ: ટીમો દ્વારા ઘર-ઘર સર્વેની કામગીરી ઝડપી બની

કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 2,500 પરિવારોને 1.50 કરોડની સહાય ચૂકવી દેવાઈ છે 50 જેટલી સર્વે ટીમો દ્વારા સતત કામગીરી ચાલી રહી છે

સુરતમાં પૂરના પાણી ઓસરતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રાહત અને સહાય પહોંચાડવાની કામગીરીએ ગતિ પકડી છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, માત્ર છેલ્લા બે દિવસમાં જ અસરગ્રસ્ત 2,500 પરિવારોને 1.50 કરોડ રૂપિયાની કેશ ડોલ્સની સીધી ચૂકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, જરૂરી ઘરવખરીની સહાય પણ પરિવારો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

શહેરના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યારે 50 જેટલી સર્વે ટીમો દિવસ-રાત કાર્યરત છે. જિલ્લાના કુલ છ તાલુકાઓમાં આ ટીમો ઘરે-ઘરે જઈને નુકસાનનું આકલન કરી રહી છે. કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે જે પરિવારોનો સર્વે હાલ બાકી રહી ગયો છે, તેમનો પણ ખૂબ જ ઝડપથી સર્વે પૂર્ણ કરવામાં આવશે. પાત્રતા ધરાવતા તમામ પરિવારોને સરકારના નિયમો મુજબ વહેલી તકે સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા કલેક્ટર તેજસ પરમારે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની ખોટી માહિતી પર વિશ્વાસ રાખવાને બદલે માત્ર સરકારી અને અધિકૃત ચેનલો દ્વારા આપવામાં આવતી માહિતી પર જ ભરોસો રાખવો. તંત્ર અસરગ્રસ્તોની પડખે ઉભું છે અને દરેક જરૂરી મદદ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.

(11:03 PM IST)