<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

સુરતમાં ભારે પુરથી તાત્કાલિક અસરગ્રસ્ત પરિવારોને રોકડ સહાય (કેશડોલ) ચૂકવવાની કામગીરી સઘન બનાવાઈ

અધિકારી-કર્મચારીઓ દ્વારા ઝડપભેર સર્વે કરી અબ્રામા વિસ્તારમાં રૂપિયા એક લાખ જ્યારે કઠોર, ગોથાણ વિસ્તારમાં એક લાખ મળી બે લાખની સહાય ઘરે ઘરે જઈને ચૂકવવામાં આવી

સુરત : સુરતમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિ બાદ, પરિસ્થિતિને પૂર્વવત કરવા માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે. આ સંદર્ભમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વરાછાના પોદાર આર્કેડ, યશ પ્લાઝા ઉપરાંત લિંબાયત, ડિંડોલી અને સારોલી જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અસરગ્રસ્ત વેપારીઓ અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે તમામ દુકાનો અને સોસાયટીઓમાં ફરીને પૂરને કારણે થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો અને નાગરિકોની મુશ્કેલીઓને અત્યંત ગંભીરતાથી સાંભળી હતી. 

 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત પરિવારોને રોકડ સહાય (કેશડોલ) ચૂકવવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે. ખાસ કરીને શહેરના કતારગામ હળપતિવાસ, આંબા તલાવડી વિસ્તારના અસરગ્રસ્તોને જિલ્લા કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરીના અધિકારી-કર્મચારીઓ દ્વારા ઝડપભેર સર્વે કરી અબ્રામા વિસ્તારમાં રૂપિયા એક લાખ જ્યારે કઠોર, ગોથાણ વિસ્તારમાં એક લાખ મળી બે લાખની સહાય ઘરે ઘરે જઈને ચૂકવવામાં આવી છે.

પ્રાંત અધિકારી(ઉત્તર) નેહાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આગામી બે દિવસમાં અબ્રામા અને કતારગામ તાલુકા વિસ્તારમાં તત્કાલ સર્વે કરીને અંદાજે 15 થી 20 લાખની સહાયની ચૂકવણી કરવામાં આવશે. નોંધનીય છે કે, અસરગ્રસ્તોને ઝડપી સહાય મળી રહે તે માટે સમગ્ર શહેર-જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ઝડપી સર્વે કરીને કામગીરી કરવામાં આવી રહી છે.

વહીવટીતંત્રને સૂચના આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ઉપલબ્ધ તમામ મશીનરીનો ઉપયોગ કરવો અને સફાઈ કામગીરીને વધુ વેગ આપવો. આ ઉપરાંત, પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને વિશેષ તકેદારી રાખવા અને જરૂરિયાત મુજબ વીજ પુરવઠો સુચારુ બનાવવાની સૂચના આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે અસરગ્રસ્ત પરિવારોને મળવાપાત્ર સહાયમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થવો જોઈએ. આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્યો, મેયર, સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે.

(1:31 AM IST)