તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
શ્વાન-વાનરો નહીં, બિલાડી કરડવાના કિસ્સા વધ્યા
બિલાડીના કરડવાના કેસમાં ૧૫૫.૭% નો જંગી વધારો જોવા મળ્યો

અમદાવાદ તા.૫: સામાન્ય રીતે શ્વાન અને વાનરોથી લોકો ડરતા હોય છે અને તેમના કરડવાના કિસ્સાઓ રોજ છાપે છપાતા હોય છે, પરંતુ અમદાવાદમાં બિલાડી કરડવાના કિસ્સાઓમાં ૧૫૫ ટકાનો વધારો નોંધાયો હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ના ડેટા અનુસાર, ૨૦૨૫ અને ૨૦૨૬ ના પ્રથમ ત્રણ મહિનાના સમયગાળાની સરખામણીમાં શ્વાન કરડવાના કેસમાં ૨૦.૮% નો વધારો, વાનરોના કરડવાના કેસમાં ૪૪.૭% નો ચિતાજનક વધારો થયો છે. આ સાથે ચોંકાવનારી વાત એ છે કે બિલાડીના કરડવાના કેસમાં ૧૫૫.૭% નો જંગી વધારો જોવા મળ્યો છે.
જાન્યુઆરી ૨૦૨૫ માં શ્વાન કરડવાના કેસ ૭,૪૫૩ થી વધીને આ વર્ષે જાન્યુઆરીમાં ૮,૩૫૪ થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ૬,૨૭૮ કેસ નોંધાયા હતા; ફેબ્રુઆરી ૨૦૨૬ માં આ સંખ્યા ૭,૭૫૩ હતી. માર્ચ ૨૦૨૫ માં ૬,૩૮૪ કેસ હતા તે વધીને આ વર્ષે માર્ચમાં ૮,૧૮૬ થયા છે. શ્વાન કરડવાના કુલ આંકડા જાન્યુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ૨૦,૧૧૫ અને આ વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨૪,૨૯૩ થયા છે. આ સાથે વાંદરાના કરડવાના કેસ ૧૫૯ થી વધીને ૨૩૦ થયા છે અને બિલાડીઓના કરડવાના કેસ ૬૫૫ થી વધીને ૧,૬૭૫ થયા છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૨૦ થી શ્વાન કરડવાના કેસોમાં વધારો થયો છે કારણ કે બોપલ, ઘુમા, કઠવાડા અને નાના ચિલોડા જેવા નવા વિસ્તારો હદમાં ઉમેરવામાં આવ્યા છે. સમગ્ર ૨૦૨૦ દરમિયાન લગભગ ૫૦,૦૦૦ થી વધીને ૨૦૨૫ માં શ્વાન કરડવાના કેસ ૭૭,૦૦૦ થી વધુ થયા છે. બિલાડી કરડવાના કેસ ૨૦૨૦ માં ૬૬૩ થી વધીને ૨૦૨૫ માં ૪,૭૭૦ થયા છે અને વાનરો કરડવાના કેસ ૨૦૨૦ માં ૨૨૯ થી વધીને ૨૦૨૫ માં ૬૭૩ થયા છે.
નિષ્ણાંતો કહે છે કે બિલાડી વિશે લોકો ઓછું જાણે છે. તે ખૂબ જ ઓછા સમયમાં એક્શનમાં આવી જાય છે. નખ કે દાંત ભરાવે છે અને ઘણીવાર તે વ્યક્તિ સાથે પોતાની જાતને ઘસતી હોય છે ત્યારે તે પ્રેમ નથી બતાવતી, પણ પોતાની રૂંવાડીઓ ટ્રાન્ફર કરે છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
