તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ સામેના ચાર રસ્તા પર કેપ્સ્યૂલ સિસ્ટમ અમલમાં
નવી વ્યવસ્થા લાગુ થવાથી વાહનચાલકોને સિગ્નલ પર લાંબો સમય ઊભા રહેવું નહીં પડે

અમદાવાદ શહેરમાં SG હાઈવે પરના મુખ્ય જંક્શન અને ચાર રસ્તાઓને સિગ્નલ ફ્રી બનાવી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત અપાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા કેપ્સ્યુલ સિસ્ટમ અમલી કરવામાં આવી રહી છે. પેલેડિયમ મોલ ક્રોસ રોડ અને કારગીલ ક્રોસ રોડ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલ સામેના ચાર રસ્તા પર કેપ્સ્યૂલ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના અભિયાન અંતર્ગત એસ.જી. હાઈવે પર સોલા સિવિલ હોસ્પિટલ ચાર રસ્તાનો કટ બંધ કરીને કેપ્સ્યૂલ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. નવી વ્યવસ્થા લાગુ થવાથી વાહનચાલકોને સિગ્નલ પર લાંબો સમય ઊભા રહેવું નહીં પડે. ખાસ કરીને હોસ્પિટલ તરફ જતી 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોને ટ્રાફિકમાંથી રાહત મળશે.
અમદાવાદના SG હાઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ સામેના ચાર રસ્તા પર વારંવાર ટ્રાફિક જામ થતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ ટ્રાફિક વિભાગે કેપ્સ્યૂલ સિસ્ટમ લાગુ કરી છે. નવી વ્યવસ્થા મુજબ વાહન ચાલકો હવે ચાર રસ્તા પરથી સીધો ટર્ન લઈ શકશે નહીં. તેના બદલે ક્રોસ રોડની બંને તરફ 100-150 મીટર આગળ જઈ કેપ્સ્યૂલ આકારના કટ પરથી સરળતાથી યુ-ટર્ન લઈ શકશે.
અગાઉ સોલા સિવિલ હોસ્પિટલ સામે સિગ્નલ પર વાહનોની લાંબી કતારો લાગતી હતી. ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલ તરફ જતી 108 એમ્બ્યુલન્સ અને અન્ય ઈમરજન્સી વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જતા હતા. નવી કેપ્સ્યુલ સિસ્ટમ અમલમાં આવવાથી વાહનોને હોસ્પિટલ સુધી પહોંચવામાં સરળતા રહેવાની અપેક્ષા છે.
ટ્રાફિક DCP નરેશ કણજારીયાના જણાવ્યા મુજબ, અગાઉ આ સિગ્નલ પર વાહનચાલકોને 120 સેકન્ડ સુધી ઊભા રહેવું પડતું હતું. આ ઉપરાંત ચાર રસ્તા પર અકસ્માત થવાનું જોખમ પણ રહેતું હતું. કેપ્સ્યૂલ સિસ્ટમ લાગુ થવાથી વાહનોનો પ્રવાહ સતત જળવાઈ રહેશે. હવે વાહન ચાલકો અંદાજે 40 સેકન્ડમાં રસ્તો ક્રોસ કરી શકશે. આમ, અગાઉની સરખામણીએ વાહન ચાલકોને આશરે 80 સેકન્ડનો સમય બચશે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને સિગ્નલ પર વાહનોની લાંબી કતારો થતી અટકાવવા ટ્રાફિક પોલીસ દ્વારા કેપ્સ્યૂલ સિસ્ટમનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં કુલ 30 સ્થળોએ આ વ્યવસ્થાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રાફિક વિભાગનો હેતુ શહેરમાં વાહનોની અવરજવર સરળ બનાવવાની સાથે સમયની બચત અને અકસ્માતનું જોખમ ઘટાડવાનો છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
