<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

મનપાની ચૂંટણી લડતા ઉમેદવારે દાન કે લોન આપનારાની વિગતો રાખવી પડશે

વ્‍યક્‍તિ કે સંસ્‍થાથી ૧૦ હજારથી વધુનું દાન કે લોન રોકડમાં નહીં લઈ શકાય

અમદાવાદઃ રાજ્‍યમાં એપ્રિલ માસમાં યોજાયેલી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં મહાનગરપાલિકા સહિત તાલુકા અને જિલ્‍લા પંચાયતના કેટલાક ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ જમા કરાવ્‍યો ન હોવાની વિગતો બહાર આવતા વિવાદ થયો હતો. તેને ધ્‍યાનમાં રાખતા રાજ્‍ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે જ આગામી સમયમાં યોજાનારી તમામ મહાનગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ માટે અલગ બેંક ખાતું ખોલાવવું પડશે તેવો નિર્ણય લીધો છે. તે સાથે જ ઉમેદવાર કોઈ એક વ્‍યક્‍તિ કે સંસ્‍થા પાસેથી ૧૦ હજારથી વધુની રકમનું દાન કે લોન રોકડમાં સ્‍વીકારી શકશે નહીં અને તેની વિગતો પણ રાખવી પડશે તેમ પણ પંચે જાહેર કર્યું છે.

રાજ્‍ય ચૂંટણીપંચે મહાનગરપાલિકાની સામાન્‍ય, મધ્‍યસત્ર અને પેટા ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ માટે સંબંધિત ખાતાનો બેંક રેકર્ડ જાળવવા આદેશ કર્યો છે. આ ખાતું ઉમેદવારના ચૂંટણી ખર્ચ સિવાયના કોઈ અન્‍ય વ્‍યક્‍તિગત, વ્‍યવસાયિક કે અન્‍ય હેતુ માટે ઉપયોગમાં લઈ નહીં શકાય તે સહિતની પદ્ધતિની રૂપરેખા જારી કરી છે. જેમાં ઉમેદવારે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની હોય તેના ઓછામાં ઓછા એક દિવસ પૂર્વે અલગ બેંક ખાતુ ખોલાવવાનું રહેશે. તેમાં ચૂંટણી ખર્ચ માટે ઉપયોગમાં લેવાનારી તમામ રકમ જમા કરાવાની રહેશે. ખાતામાં ઉમેદવારે રાજકીય પક્ષ તરફથી મળતી રકમ અને ચૂંટણી ખર્ચ માટે અન્‍ય કોઈ વ્‍યક્‍તિ, સંસ્‍થા કે તેની પાસેથી મળેલી રકમનો પણ સમાવેશ કરવાનો રહેશે અને સમગ્ર નાણાકીય વ્‍યવહાર એક જ ખાતા મારફતે કરવાનો રહેશે. ૧૦ હજારથી વધુનું દાન કે લોનની રકમ ચેક, RTGS, NEFT કે બેંક ખાતા સાથે જોડાયેલા અન્‍ય ઈલેક્‍ટ્રોનિક માધ્‍યમથી સ્‍વીકારવાની રહેશે. ઉમેદવારેદાન કે લોન આપનારી આવી વ્‍યક્‍તિ કે સંસ્‍થાના નામ સહિતની વિગત પણ જાળવવી પડશે.

ઉમેદવાર અલગ ખાતું નહીં ખોલાવે તો નોટિસ અપાશે

ઉમેદવારે નિયત મુદતમાં ચૂંટણી ખર્ચ માટે અલગ બેંક ખાતુ ખોલાવી પંચ દ્વારા માગ્‍યા મુજબની વિગતો આપવી જરૂરી છે. નિયત બેંક ખાતામાં રકમ જમા કર્યા વિના ખર્ચ કરે કે અન્‍ય બેંક ખાતામાંથી પણ ચૂંટણી ખર્ચ કરે તો ઉમેદવાર હિસાબ જાળવવામાં નિષ્‍ફળ ગયો છે તેમ પંચ માનશે. તેવા કિસ્‍સામાં ચૂંટણી અધિકારી ઉમેદવારને નોટિસ આપી પાલનની કાર્યવાહી કરવા જણાવશે.

ગત ચૂંટણીમાં હિસાબ જમા નહીં થયાની ફરિયાદ થઈ હતી

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ૨૦૨૬ના ચૂંટણી પરિણામો બાદ મનપા અને પંચાયતોના મળીને ૧૬૩ ઉમેદવારે ચૂંટણી ખર્ચનો હિસાબ જમા નહીં કરાવ્‍યાની ફરિયાદ ચૂંટણી પંચને સ્‍વૈચ્‍છિક સંગઠનો દ્વારા કરાઈ હતી. તેમાં બેદરકારી દાખવનારા ચૂંટણી અધિકારીઓ સામે પણ શિસ્‍તભંગના પગલાં લેવાની પંચ અને સરકારને ફરિયાદ કરાઈ હતી.

 

(1:17 PM IST)