<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

વારંવાર ભાજપને જીતાવી, એણે ઉંદરને અમલ પીવડાવીઃ પરેશ ધાનાણી

મોંઘવારી, બેરોજગારી, એસટી બસોની બદહાલી, જૂની પેન્‍શન રદ, કલ્‍પસર-નર્મદા કેનાલ મુદ્દે વિલંબ, ખેડૂતોની ઉપજ પર કર, ખાતરની અછત અને રૂપિયાના અવમૂલ્‍યન મુદ્દે ગુજરાત ભાજપ પર સીધો હુમલો ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતાની આગેવાનીમાં અમરેલી કોંગ્રેસે ગ્રામ સ્‍વરાજનો જંગ ૨૦૨૬ માં ભાજપના શાસન સામે ૧૫ મુદ્દાનું આરોપનામું રજૂ કર્યુ

રાજકોટ, તા.,૧૮ :  ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીની આગેવાની હેઠળ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ‘ગ્રામ સ્‍વરાજનો જંગ-૨૦૨૬ અભિયાન હેઠળ ભાજપ સરકાર સામે પોસ્‍ટર વોરને આક્રમક બનાવી છે. વારંવાર ભાજપને જીતાવી, એણે ઉંદરને અમલ પીવડાવી  જેવા તીખા શીર્ષક સાથે કોંગ્રેસે ભાજપના શાસનના વિવિધ પાસાઓ પર ૧૫ મુદ્દાનું વિસ્‍તળત આરોપનામું જાહેર કર્યું છે. ૨૦૨૬ની સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી કોંગ્રેસે ગ્રામ્‍ય મતદારોને કેન્‍દ્રમાં રાખી પ્રચાર યુદ્ધ છેડ્‍યું છે.

પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું કે સત્તાની નહીં, સ્‍વાર્થની નહીં, આ લડાઈ છે જન સ્‍વાભિમાનની. કોંગ્રેસના પ્રચાર પોસ્‍ટરમાં ભાજપ પર આર્થિક મોરચે આકરા પ્રહાર કરાયા છે. મોંઘવારીમાં જનતાને પિસાવી, પેટ્રોલ-ડિઝલના ભાવે સદી ફટકારી અને ગેસ સિલિન્‍ડર હજારને પાર પહોંચાડ્‍યાનો આક્ષેપ છે. રોજિંદી જીવનજરૂરી ચીજવસ્‍તુઓ જેવી કે દહીં-દૂધ-છાસ ઉપર પણ કરવેરા લાદી દેવાયા હોવાનું જણાવ્‍યું છે.  યુવાનો અને કર્મચારીઓને સ્‍પર્શતા મુદ્દે કોંગ્રેસનો દાવો છે કે ભાજપના શાસનમાં યુવાનોની નોકરીઓ છીનવાવી અને બેરોજગારી સતત વધી. સરકારી કર્મચારીઓની જૂની પેન્‍શન યોજના બંધ કરી NPS લાગુ કરી કર્મચારીઓના ઘડપણનો સહારો છીનવી લેવાયો છે. પેપર ફોડીને ભરતીઓ અટકાવી અને યુવાનોના માથે કાયમી નોકરીને બદલે કરાર-આઉટસોર્સની તલવાર લટકાવી દેવાઈ છે. જાહેર સેવાઓ મુદ્દે પરેશભાઈ ધાનાણીએ કહ્યું કે ગામડાઓને જોડતી એસ.ટી. બસોને તાઈફે મોકલાવી દેવાઈ છે, જેના કારણે ગ્રામ્‍ય વિસ્‍તારના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડે છે. રેલ-બસની ટિકિટ બમણી કરાવી અને ઘરના વિજબિલમાં લૂંટ ચલાવી સામાન્‍ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે.

ખેડૂતોના મુદ્દે કોંગ્રેસે ભાજપને સૌથી વધુ ઘેર્યું છે. પરેશભાઈ ધાનાણીએ આક્ષેપ કર્યો કે ખેત ઉપજોને કરવેરામાં લપેટાવી, ખાતરની અછત ઉભી કરાવી અને ટેકાની ખરીદીમાં ગોલમાલ કરાવી ખેડૂત ખેતીની બરબાદી લાવી છે. સૌરાષ્‍ટ્રની જીવાદોરી સમાન કલ્‍પસર યોજના વર્ષોથી અધ્‍ધરતાલ રખાઈ છે. નર્મદા યોજનાની મુખ્‍ય કેનાલોનું નેટવર્ક સૌરાષ્‍ટ્રના છેવાડાના ખેતરો સુધી ન પહોંચાડવાના કારણે સિંચાઈના અભાવે ઉભી ખેતી સુકાઈ રહી છે. આર્થિક નીતિ પર પ્રહાર કરતા પરેશભાઈ ધાનાણીએ કહ્યું કે ડોલર સામે રૂપિયો ૯૫ સુધી ગગડી જતાં આયાત મોંઘી થઈ અને મોંઘવારી વધી, છતાં સરકાર ભ્રામક પ્રચારમાં પ્રજાને ફસાવી રહી છે. માત્ર ઉદ્યોગોની લોન માફ કરાવી અને સરકારી મિલ્‍કતો મફતમાં વેંચાવી દેવાઈ છે. જીતશે કોંગ્રેસ, જીતશે ગામડું ના નારા સાથે પોસ્‍ટરના અંતે ‘ના કોઈને નડીશું, તમારા માટે લડીશું, સૌના કામ કર્યા, સૌના કામ કરીશું'એવું વચન આપવામાં આવ્‍યું છે. પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું કે કોરોના કાળ દરમિયાન દવા-ઇન્‍જેક્‍શનની કાળાબજારી થઈ, લોકડાઉનમાં પોલીસથી પ્રજાને પિટાવી અને દારૂબંધી હોવા છતાં દારૂ-ડ્રગ્‍સની રેલમછેલ થઈ રહી છે. બીપીએલ કાર્ડની સંખ્‍યા ઘટાડાવી ગરીબોને રાશનથી વંચિત રખાયા છે.

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પરેશભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આ પ્રચાર સામગ્રી ગામડે-ગામડે, ચોરે-ચૌટે અને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર મોટા પાયે ફેલાવવામાં આવી રહી છે. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, સિંચાઈ અને જૂની પેન્‍શન ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચૂંટણીના કેન્‍દ્રીય મુદ્દા હોવાથી કોંગ્રેસ આ મુદ્દાઓ પર ભાજપને ઘેરીને ૨૦૨૬ની સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં ગ્રામ્‍ય મતદારોને રીઝવવાનો પૂરજોશમાં  પ્રયાસ કરી રહી છે.

(11:54 AM IST)