તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશમાં બાયોટેકનોલોજી અને બાયોમેન્યુફેક્ચરિંગનું અગ્રણી હબ બનવા ગુજરાત સજ્જ : ફાર્મા અને કેમિકલ ક્ષેત્રો ભજવશે ચાવીરૂપ ભૂમિકા
ભારતની બાયો-ઇકોનોમી ક્રાંતિનું નેતૃત્વ કરવાના વિઝન સાથે જીઆરઆઈટી (GRIT) સંસ્થાનો મહત્વનો અહેવાલ જાહેર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કુશળ માનવબળ અને વિશેષ શિક્ષણ પર અપાશે ભાર

ગાંધીનગર:ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા અહેવાલ અનુસાર, ગુજરાત ૨૦૩૦ સુધીમાં કુશળ માનવબળ વિકાસ, વિશેષ શિક્ષણ અને ઉદ્યોગલક્ષી કૌશલ્ય નિર્માણ પર કેન્દ્રિત મહત્ત્વાકાંક્ષી વ્યૂહરચનાની મદદથી ભારતનું બાયોટેકનોલોજી અને બાયોમેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું અગ્રણી કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ‘ગુજરાત બાયો-ઇકોનોમી ૨૦૩૦: સ્ટ્રેટેજિક સ્કિલ આર્કિટેક્ચર એન્ડ વર્કફોર્સ ડેવલપમેન્ટ’ શિર્ષક ધરાવતા આ અહેવાલમાં જણાવાયું છે કે, ભારતની બાયો-ઇકોનોમી વર્ષ ૨૦૧૪માં લગભગ ૧૦ અબજ ડૉલરથી વધીને ૨૦૨૪માં ૧૫૦ અબજ ડૉલરથી વધુ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારની BioE3 પોલિસી (Biotechnology for Economy, Environment and Employment)ના સમર્થન સાથે દેશે દાયકાના અંત સુધીમાં ૩૦૦ અબજ ડૉલરની બાયો-ઇકોનોમીનું રાષ્ટ્રીય લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને અગ્રણી રહેશે. ગુજરાત હાલમાં ભારતના કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનનો આશરે ૪૦ ટકા હિસ્સો ધરાવે છે તેમજ દેશના અગ્રણી કેમિકલ ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું લક્ષ્ય ૩૦૦ અબજ ડૉલરની બાયો-ઇકોનોમી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની બાયો-ઇકોનોમીએ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩૦૦ અબજ ડૉલરની બાયો-ઇકોનોમીનું રાષ્ટ્રીય લક્ષ્ય માત્ર મહત્ત્વાકાંક્ષા નથી, પરંતુ સ્થાનિક માંગ અને નિકાસની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું સુદ્રઢ આર્થિક આયોજન છે. આ વૃદ્ધિને ગતિ આપતા મુખ્ય પેટા-ક્ષેત્રોમાં બાયોફાર્મા ૩૫ ટકા હિસ્સો ધરાવે છે, જેમાં રસી, થેરાપ્યુટિક્સ અને ડાયગ્નોસ્ટિક્સનું પ્રભુત્વ છે. ભારત વિશ્વભરમાં વિવિધ રસીઓની કુલ માંગના ૩૫ ટકાથી વધુ પુરવઠો સપ્લાય કરે છે અને mRNA તથા વાયરલ વેક્ટર જેવી નવી ટેક્નોલોજીથી આ ક્ષમતા વધુ વિસ્તરશે. બાયો-ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર ૪૭ ટકા હિસ્સો ધરાવે છે, જેમાં ઇથેનોલ મિશ્રણનું ૨૦ ટકાનું લક્ષ્ય સમય પહેલાં જ હાંસલ કરી લેવાયું છે. બાયો-એગ્રીકલ્ચર ૮ ટકા હિસ્સો ધરાવે છે, જેમાં આબોહવા પરિવર્તનના પડકારો સામે CRISPR આધારિત પાક અને બાયો-ફર્ટિલાઇઝર જેવી ટેક્નોલોજી હવે પ્રયોગશાળાથી ખેતર સુધી પહોંચી રહી છે.
ઔદ્યોગિક શક્તિથી બાયો-ઇકોનોમી તરફ ગુજરાતનું વ્યૂહાત્મક પરિવર્તન
ગુજરાત દેશનું મહત્વનું ઔદ્યોગિક રાજ્ય ગણાય છે. રાજ્ય ભારતના કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના આશરે ૪૦ ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે અને કેમિકલ પ્રોસેસિંગ ક્ષેત્રમાં પણ અગ્રેસર છે. ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી પોલિસી ૨૦૨૨-૨૭ રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાને બાયો-ઇકોનોમીમાં રૂપાંતરિત કરવાની સ્પષ્ટ દિશા દર્શાવે છે. રાજ્યનું લક્ષ્ય માત્ર જેનરિક દવાઓના ઉત્પાદનથી આગળ વધી નવીન બાયોલોજિક્સના વિકાસમાં અગ્રેસર બનવાનું છે. જીઆરઆઈટી (GRIT) ના અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાત પાસે ઔદ્યોગિક વિકાસનો મજબૂત આધાર, વિશાળ ઉત્પાદક ક્ષમતા, શ્રેષ્ઠ સંશોધન સંસ્થાઓ, પ્રગતિશીલ નીતિઓ, ૧,૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો અને વૈવિધ્યસભર કૃષિ ક્ષેત્ર જેવા તમામ જરૂરી પરિબળો ઉપલબ્ધ હોવાથી રાજ્ય વૈશ્વિક બાયો-ઇકોનોમી ક્ષેત્રમાં અગ્રણી બની શકે છે.
સ્થાનિક પ્રતિભાનો વિકાસ અને મજબૂત શૈક્ષણિક પાયો
અહેવાલ અનુસાર, ૩૦૦ અબજ ડૉલરની બાયો-ઇકોનોમીના લક્ષ્યને સાકાર કરવા માટે રાજ્યમાં મજબૂત સ્થાનિક પ્રતિભા ઇકોસિસ્ટમ વિકસાવવાની મોટી તક છે. જેના પરિણામે પ્રતિભા પલાયન (બ્રેઈન ડ્રેઈન) ઘટશે તેમજ કર્મચારીઓને વારંવાર ફરીથી તાલીમ આપવાની જરૂરિયાત ઓછી થશે. ગુજરાતમાં બાયોટેક્નોલોજી અને સંબંધિત અભ્યાસક્રમો ચલાવતી ૨૩ મહત્વની શૈક્ષણિક સંસ્થાઓના વ્યાપક અભ્યાસમાં રાજ્યના શિક્ષણ ક્ષેત્રનો મજબૂત પાયો અને તેની નોંધપાત્ર ક્ષમતાઓ સામે આવી છે. આ વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે ગુજરાત બાયોટેક્નોલોજી ક્ષેત્ર માટે ગુણવત્તાસભર માનવસંસાધન તૈયાર કરવામાં સંપૂર્ણ સક્ષમ છે. ઉભરતા ઉદ્યોગલક્ષી પ્રવાહોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમોને વધુ સુસંગત બનાવવાની વિશાળ તકો ઉપલબ્ધ છે, જેથી ભવિષ્યની બાયોટેક્નોલોજી જરૂરિયાતોને અનુરૂપ કુશળ અને ઉદ્યોગજગતને અનુકૂળ યુવાનો સ્થાનિક સ્તરે જ તૈયાર થઈ શકશે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
