<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

હિંમતનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો રાજસ્થાન પોલીસની ખોટી ઓળખ આપતી આંતરરાજ્ય 'મીચી ગેંગ'ના 3 સાગરીતો ઝડપાયા

આ શાતિર ટોળકી પોતાની વૈભવી કાર પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવીને ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ફરતી હતી : એલસીબીએ સોના-ચાંદીના કિંમતી દાગીના, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ રૂ 4,72,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવીને હિંમતનગર શહેરમાં થયેલી ભેદી ઘરફોડ ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હાઈવે પર વોચ ગોઠવીને વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન પોલીસની ખોટી ઓળખ આપીને ગુનાખોરી આચરતી કુખ્યાત આંતરરાજ્ય 'મીચી ગેંગ'ના 3 શાતિર અને રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. આ સફળ ઓપરેશન સાથે હિંમતનગર પોલીસ સ્ટેશન હદની ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. 

  પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ શાતિર ટોળકી પોતાની વૈભવી કાર પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવીને ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ફરતી હતી અને મોકો મળતાં જ બંધ મકાનોને નિશાન બનાવતી હતી. કોઈ પકડી ન પાડે તે માટે તેઓ પોતાને રાજસ્થાન પોલીસના જવાનો હોવાની ખોટી ઓળખ પણ આપતા હતા. એલસીબીએ કડક પૂછપરછ કરીને આરોપીઓ પાસેથી ચોરીના સોના-ચાંદીના કિંમતી દાગીના, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ રૂ 4,72,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગે ગુજરાતના અન્ય કેટલા વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં પોલીસે વધુ તપાસ અને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(8:04 PM IST)