News of Tuesday, 20th October 2026
પાલનપુર જીલ્લાના જસલેણી ગામે નૈવેદ્ય દરમિયાન ભમરાના ઝુંડનો હુમલો : 30થી વધુ લોકો ઘાયલ : નૈવેદ્ય વિધિ વખતે અચાનક મધમાખીઓએ હુમલો કરતા અફરાતફરી
ઘાયલોને સારવાર માટે પાલનપુર ખસેડાયા : ઘણા લોકોને માથા, મોઢા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ : ગ્રામજનોએ તાત્કાલિક ધુમાડો કરી અને પાણી છાંટી ભમરાને દૂર ભગાડવાનો પ્રયાસ

પાલનપુર તા.૨૦ : પાલનપુર તાલુકાના જસલેણી ગામે આજે સવારે ધાર્મિક પ્રસંગ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ ગામમાં કોઈ ધાર્મિક સ્થળ કે ખેતરમાં નૈવેદ્ય ધરાવવાની વિધિ ચાલી રહી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ અને બાળકો હાજર હતા.
વિધિ દરમિયાન નજીકમાં આવેલા ઝાડ પર લાગેલા મધપૂડામાંથી ભમરા (મધમાખી) નું વિશાળ ઝુંડ ઉશ્કેરાઈ ગયું હતું. જોતજોતામાં ભમરાના ઝુંડે ત્યાં હાજર લોકો પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી લોકોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.
આ હુમલામાં 30થી વધુ લોકોને ભમરાએ ડંખ માર્યો હોવાનું સામે આવ્યું છે. ઘણા લોકોને માથા, મોઢા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ગ્રામજનોએ તાત્કાલિક ધુમાડો કરી અને પાણી છાંટી ભમરાને દૂર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ કેટલાક લોકોની હાલત ગંભીર છે અને તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે સમગ્ર જસલેણી ગામમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિક તંત્રને જાણ કરીને મધપૂડાને સુરક્ષિત રીતે દૂર કરવા માટે વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
