<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

રાજપીપળાની સંતોષ ચોકડી પાસે આખલાઓ યુદ્ધે ચડ્યા: બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ

જાહેર માર્ગો પર પશુઓનો કાયમી જમાવડો: રખડતા ઢોરોના અસહ્ય ત્રાસથી સ્થાનિકોમાં ભારે રોષ:ભૂતકાળમાં બનેલા બે જીવલેણ અકસ્માતોમાંથી તંત્ર ક્યારે પાઠ લેશે? નવા કલેક્ટર આ બાબતે ધ્યાન આપી રોજબરોજના ભયમાંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી રખડતી ગાયો અને આખલાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. જેને કારણે આખું શહેર જાણે રખડતા ઢોરોનો અડ્ડો બની ગયું હોય તેવી હાલત છે. મુખ્ય રસ્તાઓ પર જ આ પશુઓ બેસી જતા હોવાથી વારંવાર ટ્રાફિક જામ થાય છે. એટલું જ નહીં, રસ્તા વચ્ચે એકબીજા સામે શિંગડા ભેરવતા આખલાઓને કારણે ચાલતા જતા લોકો અને બાઇક ચાલકોમાં ભારે ભયનો માહોલ રહે છે.
   રાજપીપળાની ભારે ભીડવાળી સંતોષ ચોકડી પાસે આવી જ એક ઘટના બની હતી. એ સમયે શાળા, કોલેજો અને ઓફિસો છૂટવાનો ટાઈમ હોવાથી રસ્તા પર ભારે ટ્રાફિક હતો. આ વચ્ચે બે આખલાઓ અચાનક જ લડવા લાગ્યા હતા. બંને એકબીજાને જોરદાર ભેટીઓ મારીને પાડી દેવાનો પ્રયાસ કરતા હોવાથી વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.
   આ લડાઈમાં એક આખલાની અડફેટે આવતા રોડ પર ઊભેલી એક ગાય નીચે રોડ ઉપર પછડાઈ ગઈ હતી, જ્યારે નજીકથી પસાર થઈ રહેલા એક મોટરસાઈકલ ચાલકનો આબાદ બચાવ થયો હતો. રસ્તાની વચ્ચોવચ આખલાઓના ધીંગાણાના કારણે થોડીવાર માટે તો ટ્રાફિક સાવ જામ થઈ ગયો હતો. ત્યાં હાજર ટ્રાફિક બ્રિગેડ (TRB) ના જવાનો અને આજુબાજુના લોકોએ આખલાઓ પર પાણી છાંટ્યું ત્યારે માંડ બંને શાંત પડ્યા હતા અને રસ્તો ખુલ્લો થતાં વાહનોની અવરજવર ફરી ચાલુ થઈ શકી હતી.
   અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ રાજપીપળામાં આવા રખડતા આખલાઓના કારણે થયેલા અકસ્માતોમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જે વાત હજુ પણ લોકો ભૂલ્યા નથી. રાજપીપળા શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરો અને આખલાઓ હવે સામાન્ય નાગરિકો માટે ગંભીર જોખમ બની રહ્યા છે. કોઈ પણ સમયે કોઈ નિર્દોષ રાહદારી અથવા વાહનચાલક તેનો ભોગ બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
   સુપ્રીમ કોર્ટે પણ રખડતા ઢોરોના મુદ્દે ઘણી વખત કડક શબ્દોમાં ટિપ્પણીઓ કરી છે, છતાં રાજપીપળામાં હજુ સુધી આ બાબતે કોઈ નક્કર કામગીરી થતી દેખાતી નથી. બીજી તરફ, નર્મદાના નવા કલેક્ટર ગંગાસીંગે ચાર્જ લીધા બાદ વ્યવસ્થાઓમાં ઘણા બધા સુધારા કર્યા છે. કલેક્ટરના આવા સરાહનીય પગલાંઓને પગલે હવે સ્થાનિક લોકોની માંગ છે કે, નગરના આ મોટા વણઉકેલાયેલા પ્રશ્ન પર પણ તેઓ જાતે ધ્યાન આપે અને સંબંધિત અધિકારીઓને વહેલી તકે કડક આદેશ કરી રખડતા પશુઓને પાંજરે પુરાવે, જેથી લોકોને આ રોજબરોજના જોખમમાંથી કાયમી મુક્તિ મળે

(11:07 PM IST)