News of Sunday, 13th September 2026
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મકાન ધરાશાયી : માતા પુત્રી કાટમાળ નીચે દબાયા
જૂના અને ગીચ વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં આસપાસના લોકોમાં પણ ચિંતા ફેલાઈ :ફાયર વિભાગે કાટમાળમાંથી ત્રણ લોકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટનાથી ભારે અફરાતફરી સર્જાઈ છે. લાલાભાઈની બારી પોળમાં અચાનક એક મકાન ધરાશાયી થતાં તેની અંદર રહેલા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં દોડધામ મચી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ મકાન ધરાશાયી થતાં માતા અને પુત્રી કાટમાળ નીચે દટાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એક વ્યક્તિને રેસ્ક્યૂ ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળ નીચે ફસાયેલા માતા-પુત્રી સુધી પહોંચવા માટે ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી. કાટમાળને સાવચેતીપૂર્વક હટાવી અંદર ફસાયેલા લોકોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેસ્ક્યૂ દરમિયાન મકાનનો બાકી રહેલો ભાગ વધુ જોખમ ઊભું ન કરે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
જૂના અને ગીચ વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં આસપાસના લોકોમાં પણ ચિંતા ફેલાઈ છે. ફાયર વિભાગની ટીમો દ્વારા સ્થળ પર યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. કાટમાળ નીચે દટાયેલા માતા-પુત્રીને વહેલી તકે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમો સતત પ્રયાસ કરી રહી છે.હાલમાં ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મકાનની સ્થિતિ, ધરાશાયી થવા પાછળના સંભવિત કારણો અને અન્ય કોઈ વ્યક્તિ કાટમાળ નીચે ફસાઈ છે કે નહીં તે અંગેની માહિતી બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે કાટમાળમાંથી ત્રણ લોકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. જેમાં જાહ્નવીબેન રાણા, પાર્થ રાણા અને આશાબેન રાણાનો સમાવેશ થાય છે. રેસ્ક્યૂ કરાયેલા ત્રણેય લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ત્રણેયની સારવાર ચાલી રહી છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
