તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
સુરતના સરથાણામાં પેલેડિયમ મોલના ગ્રાઉન્ડ ફ્લોરમાં કુટણખાનાનો પર્દાફાશ: 5 યુવતીઓ અને 1 ગ્રાહક ઝડપાયા :મુખ્ય સંચાલક ફરાર
મોલની આડમાં ચાલતા આ ગોરખધંધા અંગે પોલીસે ગુનો નોંધી સંચાલકની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા જાણીતા પેલેડિયમ મોલ માંથી પોલીસે એક ચોંકાવનારો કિસ્સો બહાર પાડ્યો છે. મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરકાયદેસર રીતે અનૈતિક દેહવેપારનું રેકેટ ચલાવાતું હોવાની બાતમી સરથાણા પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક અસરથી મોલ પર દરોડા પાડ્યા હતા.
સામાન્ય રીતે મોલ એક એવી જગ્યા ગણાય છે જ્યાં લોકો પરિવાર સાથે ખરીદી અને મનોરંજન માટે જતા હોય છે, પરંતુ આ કિસ્સામાં મોલના ગ્રાઉન્ડ ફ્લોર પરની એક દુકાન કે જગ્યાનો ઉપયોગ ગુપ્ત રીતે દેહવેપાર માટે કરવામાં આવતો હોવાનું બહાર આવતા સ્થાનિકોમાં પણ ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે બાતમીને આધારે આ આખું ઓપરેશન ખૂબ જ ગુપ્ત રીતે પાર પાડ્યું હતું.
પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી 5 યુવતી મળી આવી હતી, જેમને પોલીસે અટકાયતમાં લીધી છે. આ ઉપરાંત, ત્યાં હાજર એક ગ્રાહકની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે. જોકે, પોલીસની આ રેડની ગંધ આવી જતા આ સમગ્ર ગોરખધંધાનો મુખ્ય સંચાલક ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.
હાલમાં સરથાણા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર થઈ ગયેલા સંચાલકની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ઉપરાંત, મોલના સંચાલકો કે જેમને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ હતી કે કેમ, તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જો મોલના માલિકની ભૂમિકા શંકાસ્પદ જણાશે, તો તેમની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઘટના બાદ સુરતના મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલતી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ પોલીસ બાજનજર રાખી રહી છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
