News of Wednesday, 6th May 2026
વલસાડના વાપીમાં જીઆઇડીસી અધિકારીના બંગલામાં ચોરી કરનાર જીજા-સાળી નાસિકથી ઝડપાયા
મહિલા તસ્કર સોનિયા શ્રીરામ પાટીલ LLBનો અભ્યાસ કર્યો હતો

વલસાડના વાપી જીઆઇડીસી કચેરીના અધિકારીના બંગલામાં પ્રવેશી અંદરથી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર બે આરોપીની એલસીબીએ ધરપકડ કરી તેઓ પાસેથી ફોર્ચ્યુનર કાર સહિત કુલ રૂ. 34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.
વાપી જીઆઇડીસી કચેરીમાં કાર્યપાલક ઇજનેર વર્ગ-1 તરીકે નોકરી કરતા દેવેન્દ્ર બેચરભાઇ સગર જીઆઇડીસી ગાર્ડન પાસે ઓફિસર્સ બંગલામાં રહેતા હોય 20 એપ્રિલે તેઓ વતન સુરેન્દ્રનગર હતા ત્યારે બંગલામાંથી સોનાના દાગીનાની ચોરી થતા પોલીસ ફરિયાદ કરાઇ હતી.
આ કેસમાં જિલ્લા એલસીબી પીઆઇ એ. યુ. રોઝ, જીઆઇડીસી પીઆઇ એસ. પી. ગોહિલ અને ટીમ સીસીટીવી અને ટેકનિકલ એનાલિસીસના આધારે તપાસ કરી રહી હતી. ત્યારે શંકાસ્પદ ઈસમોના ફોટોગ્રાફ મળી આવતા પીએસઆઇ જે. બી. ધનેશાને મળેલી બાતમીના આધારે આરોપી રાજુ દુર્યોધન કાળમેઘ ઉ.વ. 50 અને તેની સાળી મહિલા આરોપી સોનિયા શ્રીરામ પાટીલ ઉ.વ. 35 બંને રહે. ગ્રીનવેલી ફાર્મહાઉસ ગામ ધારણ તા. સીનર થાના વાવી જી. નાસિક મહારાષ્ટ્રને ધરનગાવ સિન્નર મહારાષ્ટ્ર ખાતે આવેલ ફાર્મ હાઉસથી પકડી પાડ્યા છે.
કાર્યપાલક ઇજનેર ઘરે ચોરી કરનાર આરોપી રાજુ દુર્યોધન કાળમેઘની નાસિક શહેરમાં અશોકા ઇનના નામે હોટલ છે. જ્યારે આ સાથે એક પોલ્ટ્રી ફાર્મ અને એક ફાર્મ હાઉસ પણ છે. તો તેની સાળી સોનિયા શ્રીરામ પાટીલે એલએલબી સુધીનો અભ્યાસ કરેલ છે અને બેન બનેવી સાથે જ રહે છે. અગાઉથી ચોરી કરવાની ટેવ હોવાથી બંને જીજા-સાળી પોતાની ફોર્ચ્યુનર કાર લઇને ગમે ત્યાં ચોરી કરવા નીકળી જતા હતા.બંટી અને બબલીની માફક આ બંને ટોળકી સાથે ચોરી કરતી હતી.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
