<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

રાજપીપળાથી રામગઢને જોડતો કરજણ નદી પરનો બ્રિજ જોખમી : રામગઢના લોકોએ કાચો પુલ બનાવતા પાણી છોડ્યું તો ધોવાઈ ગયો

તંત્રએ કોઈ હંગામી પુલ નહી બનાવતા ગ્રામજનોને દસેક કિલોમીટર ફરીને રાજપીપળા આવવું ના પડે માટે ગ્રામજનોએ કાચો પુલ બનાવ્યો હતો,

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાના કરજણ ઓવારા પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પુલનો પીલ્લર બેસી જતા આ પુલ પરથી વાહને પસાર કરવા જોખમી હતું ત્યારબાદ ત્યાં બંને છેડે બેરીકેટ લાગવી તંત્રએ વાહનોની અવર જવર બંધ કરી, પરંતુ પગપાળા જતા લોકોની અવર જવર ચાલુ હોય એ જોખમી હતું ત્યારે તંત્ર દ્વારા પુલ ના બંને છેડે દીવાલ ઉભી કરી દીધી જેથી શાળા માં અભ્યાસ માટે આવતા જતા કે ખરીદી માટે રાજપીપળા આવતા લોકો ને દસ કિલોમીટર જેવો ફેરો ફરીને આવવું જવું પડતું હોવાથી મોટી તકલીફ ઊભી થતા રામગઢ ગામના સરપંચ અને દસ જેટલા ગામના યુવાનો એ મળી ને આ જર્જરિત પુલ ની બાજુમાં જ એક કાચો પુલ બનાવ્યો જેથી લોકો પગપાળા આ ડાયવર્ઝન પુલ પરથી આવન જાવન કરી રહ્યા હતા પરંતુ આ હંગામી પુલ અચાનક કરજણ ડેમ માંથી પાણી છોડતા ધોવાઈ ગયો અને ગ્રામજનો ની મહેનત અને રૂપિયા બરબાદ થયા.
ગ્રામજનોના જણાવ્યા મુજબ અમે કાચો પુલ બનાવી તકલીફ દૂર કરી ત્યારે જ કોઈ કારણ વિના ડેમમાંથી પાણી કેમ છોડવામાં આવ્યું..? શું તંત્ર કોઈના ઈશારે આ કામ કરી રહ્યું છે..? ગ્રામજનો એ વધુમાં જણાવ્યુ કે નવા પુલ માટે મંજૂરી મળી છે પરંતુ એ ક્યારે બનશે અને લોકો કેટલો સમય ફેરો ફરશે તે કહેવું મુશ્કેલ હોય માટે ગ્રામજનો એ હાલ કાચો રસ્તો બનાવ્યો હતો પરંતુ તંત્રને એ પણ આંખમાં ખૂચ્યું હોય તેમ લાગે છે.

(9:31 PM IST)