તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક - કૈલાસ ટેકરી પર પૂ. મોરારિબાપુએ 'સાધુ' ને શંકર તુલ્ય ગણાવ્યા : જુઓ વિડીયો
સગાપરા ધારના પવિત્ર ક્ષેત્રમાં 'માનસ શિવ સંકલ્પ' રામકથાના છઠ્ઠા દિવસે ઉમટ્યું માનવ મહેરામણ : જૈન સાધના અને અણુવ્રતનો ઉલ્લેખ કરી બાપુએ સંસારીઓ માટે જીવનને જ અનુષ્ઠાન ગણવા પ્રેરણા આપી

ઈશ્વરિયા: ગોહિલવાડની પવિત્ર ધરા પર પાલિતાણા શત્રુંજય વિસ્તારમાં આવેલી શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ગત શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ શિવ સંકલ્પ'નું રસપાન ચાલી રહ્યું છે. કથાના છઠ્ઠા દિવસે શ્રી લાલગીરીબાપુના દિવ્ય સાનિધ્યમાં ભાવિકોએ કથામૃતનો લાભ લીધો હતો. આ પ્રસંગે બાપુએ સનાતન ધર્મના ગૂઢ રહસ્યો સમજાવતા બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુને 'સનાતન સપ્તક' તરીકે ઓળખાવ્યા હતા.
સનાતન સપ્તકનો 'સા' એટલે સાધુ:
રામચરિત માનસના બાલકાંડની પંક્તિ "શિવ સંકલ્પુ કીન્હ મન માહીં" ને કેન્દ્રમાં રાખીને બાપુએ કથા પ્રવાહ આગળ વધાર્યો હતો. તેમણે સનાતન સપ્તકની વિસ્તૃત સમજ આપતા જણાવ્યું કે આ સપ્તકનો પ્રથમ અક્ષર 'સા' એટલે કે 'સાધુ' છે. સનાતન ધર્મના આ સપ્તકમાં સાધુ એ સાક્ષાત્ શંકરનું સ્વરૂપ છે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. બાપુએ ભારપૂર્વક જણાવ્યું કે સાધના એ જીવનથી અલગ કોઈ વસ્તુ નથી, પરંતુ સંસારીઓ માટે પોતાનું જીવન જ એક અનુષ્ઠાન સમાન હોવું જોઈએ.
અણુશસ્ત્રો નહીં પણ અણુવ્રતની જરૂર:
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને અશાંતિ પર ટકોર કરતા મોરારિબાપુએ કહ્યું કે આજે દુનિયાને અણુશસ્ત્રોની નહીં પરંતુ 'અણુવ્રત'ની જરૂર છે. આ સંદર્ભમાં તેમણે જૈન સાધના અને ભક્તિ પદ્ધતિનો સાદર ઉલ્લેખ કર્યો હતો. કથા દરમિયાન શિવ ચરિત્રના મહત્ત્વના પ્રસંગો એવા દક્ષ યજ્ઞ અને સતીના ત્યાગનું કરુણ અને ભાવસભર વર્ણન કરી શ્રોતાઓને ભક્તિભાવમાં તરબોળ કર્યા હતા.
મહાનુભાવો અને સાક્ષરોની ઉપસ્થિતિ:
રામકથાના આ પાવન અવસરે જાનકીદાસ મહારાજ, લહેરગિરી મહારાજ સહિતના અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાહિત્ય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ જેવા કે નીતિનભાઈ વડગામા, જયભાઈ વસાવડા અને દિલીપભાઈ સખિયાએ પણ વ્યાસપીઠના આશીર્વાદ મેળવ્યા હતા. કથાનું પ્રારંભિક સંચાલન દિલીપભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું.
સેવા અને વ્યવસ્થાનું સુંદર સંકલન:
કથાના સફળ આયોજન માટે મૂકેશગિરિ મહારાજ સાથે સેવાભાવી અગ્રણીઓ સુરેશભાઈ ગોટી, દિનેશભાઈ પટેલ, હર્ષરાજસિંહ સરવૈયા, ભરતભાઈ રાણીંગા, નરેન્દ્રભાઈ ત્રિવેદી અને લાલજીભાઈ જોગરાણા સહિતના કાર્યકર્તાઓ દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યા છે. આસપાસના પંથકમાંથી આવતા હજારો ભાવિકો માટે ભોજન પ્રસાદ અને બેઠક વ્યવસ્થાનું સુંદર સંકલન કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
