<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

સામેવાળો છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વીણવા આવતો: ગાયિકા કાજલ મહેરિયાના લગ્ન વિવાદમાં માતા શારદાબેને ગંભીર આક્ષેપો

શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને સન્માન આપવાને બદલે ઉશ્કેરની કરીને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા

મહેસાણાની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના લગ્નને લઈને ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. તાજેતરમાં કાજલ મહેરિયાની માતા શારદાબેન મહેરિયાએ એક ચોંકાવનારું નિવેદન આપીને આ વિવાદમાં નવો વળાંક લાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ લગ્ન પાછળ મોટું કાવતરું ઘડવામાં  આવ્યું છે.

શારદાબેને જણાવ્યું હતું કે, જ્યારે પરિવાર અને સમાજના અગ્રણીઓ દીકરીને પરત લેવા માટે ગાંધીનગરના શેરથા ગામે ગયા હતા, ત્યારે ત્યાં પરિસ્થિતિ તંગ બની હતી. માતાના જણાવ્યા મુજબ, શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને સન્માન આપવાને બદલે ઉશ્કેરની કરીને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

માતાએ યુવક અંગે વાત કરતા કહ્યું કે, જે છોકરા સાથે કાજલના લગ્નની વાતો થઈ રહી છે, તે છોકરો અગાઉ તેમના ઘરે માત્ર 200 રૂપિયામાં બક્ષીસ વીણવા માટે આવતો હતો. શારદાબેને દાવો કર્યો હતો કે તેમની દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરી શકે.

શારદાબેને આક્ષેપ કર્યો છે કે સામેવાળો પરિવાર માત્ર પૈસા પડાવવા માટે આ પ્રકારની રમત રમી રહ્યો છે. આ એક પૂર્વનિયોજિત કાવતરું હોવાનું તેમણે જણાવ્યું છે. અંતમાં તેમણે દલિત સમાજ અને અઢારે આલમને આ મામલે મધ્યસ્થી કરી ન્યાય અપાવવા અને યોગ્ય રસ્તો કાઢવા માટે અપીલ કરી છે. આ વિવાદ હવે સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

 

(11:14 PM IST)