News of Monday, 11th May 2026
વડોદરા શહેરમાં લાલબાગના રોયલ મેળામાં બાઉન્સરોનો આતંક, મુલાકાતીઓ પર લાઠીચાર્જ કરતા અફરાતફરી
ટિકિટ અને રાઈડ્સના વિવાદમાં બાઉન્સરોએ મુલાકાતીઓ પર આડેધડ લાઠીઓ વરસાવી, મહિલાઓ-બાળકોમાં નાસભાગ, વીડિયો વાયરલ થતા પોલીસે શરૂ કરી તપાસ

વડોદરા, તા. 11 : શહેરના લાલબાગ ખાતે ચાલી રહેલા રોયલ મેળામાં બાઉન્સરોના આતંકની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે મેળામાં ટિકિટ અને રાઈડ્સને લઈને થયેલા વિવાદ બાદ બાઉન્સરોએ મુલાકાતીઓ પર આડેધડ લાઠીચાર્જ કરતા અફરાતફરી મચી ગઈ હતી. અચાનક થયેલા હુમલાને કારણે મેળામાં હાજર મહિલાઓ અને બાળકોમાં નાસભાગ થઈ હતી.
શું હતી ઘટના?
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિકેન્ડ હોવાથી મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. દરમિયાન કેટલાક મુલાકાતીઓ અને બાઉન્સરો વચ્ચે ટિકિટ તેમજ રાઈડ પર બેસવાને લઈને બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો અને બાઉન્સરોએ ઉશ્કેરાઈને લાઠીઓ વડે મુલાકાતીઓને માર મારવાનું શરૂ કરી દીધું. આરોપ છે કે બાઉન્સરોએ યુવાનોની સાથે મહિલાઓને પણ નિશાન બનાવી. લાઠીચાર્જના કારણે લોકો જીવ બચાવવા આમતેમ દોડવા લાગ્યા હતા અને મેળામાં ભારે અંધાધૂંધી સર્જાઈ હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં બાઉન્સરો ટોળા પર લાઠીઓ વરસાવતા સ્પષ્ટ દેખાય છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મુલાકાતીઓનું કહેવું છે કે મેળાના સંચાલકોએ સુરક્ષાના નામે ગુંડા તત્વોને રાખ્યા છે, જે નાની બાબતમાં લોકો પર હાથ ઉપાડી લે છે.
પોલીસ ફરિયાદની તજવીજ
ઘટનાને પગલે ભોગ બનનાર કેટલાક મુલાકાતીઓએ પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આવા બાઉન્સરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને મેળામાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવે. હાલ વાયરલ વીડિયોના આધારે પોલીસે આરોપી બાઉન્સરોને ઓળખવાની કામગીરી શરૂ કરી છે. આ મામલે મેળા સંચાલકો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
