તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
બોરસદની દીકરીની કેનેડામાં હત્યાઃ મૃતદેહ જલદીથી ભારત લાવવા સાંસદ મિતેશ પટેલની રજૂઆત
મૃતદેહને વતન લાવવા માટે સાંસદ મિતેશ પટેલે વિદેશ મંત્રાલય અને કેનેડા કોન્સ્યુલેટ સાથે સંકલન શરૂ કર્યું છે

આણંદ, તા.૩૧:કેનેડામાં બોરસદની વતની વિધિ મેઘાણીની હત્યા મામલે હાલ બાદ આખા આણંદ પંથકમાં શોકનો માહોલ છવાયો છે, ત્યારે આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારની મદદે આણંદ લોકસભાના સાંસદ મિતેશ પટેલ આવ્યા છે. જેમાં મૃતક વિધિના પાર્થિવ દેહને વહેલી તકે તેના વતન બોરસદ લાવવા માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. સાંસદ મિતેશ પટેલે આ ગંભીર મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કેનેડા સ્થિત ભારતીય કોન્સ્યુલેટને લેખિતમાં અને ઇ-મેઇલ દ્વારા રજૂઆત કરી છે.
મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી ૨૨ વર્ષીય વિધિ કલ્પેશકુમાર મેઘા છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહી અભ્યાસ કરતી હતી. પરિવારના સપનાઓને સાકાર કરવા માટે વિધિ અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી અને કેનેડામાં પી.આર. મેળવવા માટે તૈયારી કરી રહી હતી. જે ગત ૧૫ મેના રોજ ઘરેથી બહાર નીકળી હતી. ત્યારબાદ અમેરિકન બોર્ડર નજીક તેની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે ચાકૂના ઘા ઝીંકતા યુવતીનું મોત નિપજ્યું હતું.
ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યાકાંડના અંદાજીત બે સપ્તાહ વિત્યા બાદ હાલમાં તેના પરિવારને સમગ્ર બાબતની જાણ થઈ છે. સાથે જ ઘટના બાદ વિધિના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે, જેથી તેના પરિવાર પર સ્વજનની હત્યા અને તેના મૃતદેહને વતનમાં લાવવા માટેની મથામણ એમ બંને પ્રકારે પરેશાનીનું આભ ફાટ્યું છે, ત્યારે બનાવને ગંભીરતાથી લઈને આણંદના સાંસદ મિતેશ પટેલ મદદે આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.
સમગ્ર મામલે સાંસદ મિતેશ પટેલ હાલ સરકારી સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહીને ફોલોઅપ લઈ રહ્યા છે. તેમને વિદેશ મંત્રાલયને અનુરોધ કર્યો છે કે વિધિનો મૃતદેહને ભારત પરત લાવવાની પ્રક્રિયાને વેગ આપવામાં આવે અને ઝડપથી તેના પરિવારને સોંપવામાં આવે.
જોકે પરિવાર માટે તેમના સંતાનનો મૃતદેહ પરત મેળવવો એ અત્યંત ભાવનાત્મક અને જટિલ પ્રક્રિયા છે. આ બાબતની ગંભીરતાને સમજતા સાંસદે ખાતરી આપી છે કે, વિધિ મેઘાણીની હત્યા અત્યંત દુખદ ઘટના છે અને અમે આ દુઃખની ઘડીમાં પરિવારની સાથે છીએ.
આંતરરાષ્ટ્રીય સ્તરે થતું આ સીધું સંકલન કાયદાકીય પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે મહત્વનું સાબિત થશે. સાંસદ મિતેશ પટેલ દ્વારા કરવામાં આવેલી આ ઉચ્ચસ્તરીય રજૂઆત અને સતત મોનિટરિંગને કારણે પરિવારને આ મુશ્કેલ ઘડીમાં મોટો ટેકો અને આશ્વાસન મળ્યું છે.
હાલમાં તમામ સ્તરે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે જેથી વિધિના મૃતદેહને વહેલામાં વહેલી તકે વતન પહોંચી શકે અને તેમના પરિવારને સાંત્વના મળી શકે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
