<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

કોઈપણ ચૂંટણી જીતવા માટે બુથ સ્તરનું મેનેજમેન્ટ સૌથી મહત્વનું પાસું છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ પવિત્ર યાત્રાધામ ખાતે સાબરમતી વિધાનસભાના ભાજપ સંગઠનની એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ગુપ્ત રણનીતિ સમાન બેઠક યોજાઈ : મુખ્યમંત્રી દ્વારા કાર્યકરોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

અમદાવાદની સાબરમતી વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, બુથ પ્રમુખો અને ઇન્ચાર્જો માટે એક વિશેષ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાંદલોડિયા  સ્થિત વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયેલી આ મહત્વની સંગઠનાત્મક બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રીના હસ્તે પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જે બાદ પક્ષના પદાધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષના પાયાના સંગઠનને વધુ મજબૂત અને વેગવંતો બનાવવાનો હતો. ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'મારું બુથ સશક્ત બુથ' અભિયાન હેઠળ આ બેઠકમાં પાયાના સ્તરે ગહન મંથન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, કોઈપણ ચૂંટણી જીતવા માટે બુથ સ્તરનું મેનેજમેન્ટ સૌથી મહત્વનું પાસું છે.

આ ચિંતન શિબિરમાં આગામી સમયમાં આવનારી વિવિધ સ્થાનિક અને અન્ય મહત્વની ચૂંટણીઓને લક્ષમાં રાખીને અત્યારથી જ વ્યુહરચના ઘડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પેજ કમિટી અને બુથ સ્તરના સંગઠનને કેવી રીતે વધુ સક્રિય અને લોકાભિમુખ બનાવવું તે અંગે મુખ્યમંત્રી દ્વારા કાર્યકરોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સરકારની જનકલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડવા અને મતદારો સાથે સીધો સંવાદ સાધવા માટેના આયોજન અંગે પણ શિબિરમાં વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી.

(7:16 PM IST)