<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મધદરિયે માછીમારો માટે આશીર્વાદરૂપ બની બોટ એમ્બ્યુલન્સ : ૭૭૭ તબીબી કટોકટી કેસ સફળતાપૂર્વક નિવાર્યા

રાજ્ય સરકાર દરિયાની વચ્ચે અને અંતરિયાળ ટાપુઓ પર રહેતા નાગરિકો સુધી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે પૂર્ણપણે કટિબદ્ધ - આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા : ઓખા અને પોરબંદર ખાતે કાર્યરત જળમાર્ગની આ જીવનરક્ષક સેવા દ્વારા ટાપુઓ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રસૂતિ, હૃદયરોગ તથા અન્ય ગંભીર કેસોમાં અપાઈ ત્વરિત સારવાર

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાતના દરિયાકાંઠે અને મધદરિયે માછીમારી કરતા પરિવારો તેમજ ટાપુ વિસ્તારોમાં વસતા નાગરિકો માટે સ્વાસ્થ્ય સેવાઓ કટોકટીના સમયે પણ અવિરત મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત બોટ એમ્બ્યુલન્સ સેવાઓ દરિયાઈ ક્ષેત્રે 'દેવદૂત' સાબિત થઈ રહી છે, જેણે એપ્રિલ ૨૦૧૮થી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન કુલ ૭૭૭ જેટલા તબીબી કટોકટીના કિસ્સાઓમાં સફળતાપૂર્વક તાત્કાલિક સહાય પૂરી પાડી છે.

જળમાર્ગે આરોગ્ય સેવાઓની મજબૂત પહેલ:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં લોકો જ્યાં વસવાટ કરે કે કાર્ય કરે ત્યાં સુધી આરોગ્ય સુવિધાઓ સુલભ બનાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે સ્થળોએ રસ્તાના માર્ગ કરતા જળમાર્ગ વધુ સરળ અને ઝડપી હોય, ત્યાં દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં લાગતો સમય ઘટાડવા માટે બોટ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. આ સેવા ૧૦૮ ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસના અભિન્ન અંગ તરીકે કાર્યરત છે.

ગુજરાત સરકાર દ્વારા ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ, જીવનરક્ષક દવાઓ (લાઇફ સેવિંગ ડ્રગ્સ) અને અત્યાધુનિક મેડિકલ સાધનોથી સજ્જ બે બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે; જેમાં એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે અને બીજી પોરબંદર ખાતે સેવા આપી રહી છે.

કામગીરી અને વિવિધ કટોકટીના આંકડા:
આ સમયગાળા દરમિયાન નોંધાયેલા કુલ ૭૭૭ કિસ્સાઓ પૈકી ઓખા સ્થિત બોટ એમ્બ્યુલન્સે ૭૨૦ કેસ (આશરે ૯૨.૭ ટકા) અને પોરબંદર સ્થિત બોટ એમ્બ્યુલન્સે ૫૭ કેસોમાં દર્દીઓને જીવનરક્ષક તબીબી સારવાર પૂરી પાડી છે.

દર્દીઓના સ્થળાંતર અને સારવારના મુખ્ય કારણોમાં પ્રસૂતિ સંબંધિત તકલીફો પ્રથમ ક્રમે રહી છે, જેના ૩૫૫ કેસ (૪૫.૭ ટકા) નોંધાયા હતા (જેમાં મોટાભાગના કેસો બેટ દ્વારકા ટાપુ પરથી હતા). આ ઉપરાંત પેટમાં દુખાવાના ૧૦૫ કેસ (૧૩.૫ ટકા), દરિયાકાંઠે કે બોટ પર થયેલી ઈજાઓના ૮૩ કેસ (૧૦.૭ ટકા) તથા હૃદય સંબંધિત કટોકટીના ૮૨ કેસ (૧૦.૬ ટકા) સામે આવ્યા હતા.

ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દરિયાની વચ્ચે અને અંતરિયાળ ટાપુઓ પર રહેતા નાગરિકો સુધી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે પૂર્ણપણે કટિબદ્ધ છે. ભૌગોલિક અંતરો અને માર્ગની મર્યાદાઓને પાર કરીને આ બોટ એમ્બ્યુલન્સ સેવાઓ અસંખ્ય લોકોના જીવન બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

(5:17 PM IST)