<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ગુજરાતમાં રક્‍તરંજીત રવિવારઃ અકસ્‍માતમાં ૮ના મોત

ત્રણ ગમખ્‍વાર અકસ્‍માતો થયા : નર્મદાના ડેડિયાપાડામાં બાઈક અકસ્‍માતમાં ૩ યુવકોના મોત, ગોંડલ નજીક કાર અકસ્‍માતમાં એક જ પરિવારના ૩ સભ્‍યોના મોત , અને વાવ-થરાદ હાઈવે પર ૨ લોકોના મોત

નર્મદા તા.૨૮: રવિવારનો દિવસ ગુજરાત માટે કાળમુખો સાબિત થયો છે કારણ કે રાજકોટ અને થરાદ બાદ હવે નર્મદાનો હાઈવે ગમખ્‍વાર અકસ્‍માતને કારણે રક્‍તરંજીત થયો છે.  વહેલી સવારે રાજકોટમાં ગમખ્‍વાર કાર અકસ્‍માતમાં એક જ પરિવારના ૩ સભ્‍યોએ અને વાવ-થરાદ નજીક ભારતમાલા એક્‍સપ્રેસ હાઇવે પર અકસ્‍માતમાં કારન ફુરચે-ફુરચા ઉડતા બે લોકોએ જીવ ગુમાવ્‍યા બાદ હવે નર્મદાના ડેડિયાપાડામાં બાઈક અકસ્‍માતમાં ત્રણ યુવકોના જીવ હોમાયા છે, ત્‍યારે એક બાદ એક અકસ્‍માતની ઘટનાઓને કારણે ગુજરાત રક્‍તરંજીત બનતા ચારેય તરફ શોકનો માહોલ ફેવાયો છે.

નર્મદા ડેડીયાપાડાના મેડિયાસાગ ગામ નજીક ગમખ્‍વાર અકસ્‍માતની ઘટના સામે આવી છે. મોટરસાઇકલ પર સવાર ત્રણ યુવકોના અકસ્‍માતમાં મોત થયાની માહિતી સામે આવી છે. ત્રણેય મૃતકો મોટી કાલબી ગામના વતની હોવાનું જાણવા મળતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ, મેડિયાસાગ ગામ નજીક ત્રણ યુવકો મોટરસાઇકલ પર પસાર થઈ રહ્યા હતા ત્‍યારે અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ત્રણેય યુવકોના મોત થયા હોવાનું સામે આવ્‍યું છે.

ઘટનાની જાણ થતાં સ્‍થાનિક લોકો સહિત પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે પહોંચ્‍યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણેય યુવકોના મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે ડેડીયાપાડા હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે. અકસ્‍માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે મોટી કાલબી ગામમાં શોકની લાગણી પ્રસરી છે. ત્રણ આશાસ્‍પદ યુવકોના એકસાથે થયેલા કરુણ મોતથી પરિવારજનોમાં પણ શોકનો માહોલ છે. અકસ્‍માતની ચોક્કસ પરિસ્‍થિતિ અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.

નોંધનીય જ રાજકોટના ગોંડલ નજીક પણ ગમખ્‍વાર અકસ્‍માતની ઘટના સામે આવી હતી. ધોધાવદર અને રામોદ વચ્‍ચે કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં એક જ પરિવારના ત્રણ સભ્‍યોનાં મોત થયા હતા. મળતી માહિતી મુજબ, અનિડા ભાલોડીનો પરિવાર રામોદ ખાતે સસરાના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ધોધાવદર અને રામોદ વચ્‍ચે કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો.

રાજકોટ અકસ્‍માતમાં જયેશભાઈ બગડા, શારદાબેન બગડા અને વ્રજ બગડાનું ઘટનાસ્‍થળે જ મોત થયું હોવાનું સામે આવ્‍યું છે. આમ, ૨૭ સપ્‍ટેમ્‍બરના રોજ રાજ્‍યમાં અલગ-અલગ સ્‍થળોએ અકસ્‍માતની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. ડેડીયાપાડામાં ત્રણ યુવકોના મોત અને ગોંડલ નજીક એક જ પરિવારના ત્રણ સભ્‍યોના મોતની ઘટનાથી બંને પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

આવી જ રીતે, વહેલી સવારે બનાસકાંઠાના વાવ-થરાદ નજીક ભારતમાલા એક્‍સપ્રેસ હાઇવે પર ભયાનક અકસ્‍માત સર્જાયો હતો. રસ્‍તા વચ્‍ચે અચાનક પશુ આવી જતા વાહનચાલકનું વાહન તેની સાથે અથડાયું હતું. અકસ્‍માતમાં બે લોકોના મોત થયા છે, જ્‍યારે એક વ્‍યક્‍તિ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થઈ હોવાનું સામે આવ્‍યું છે. આ અકસ્‍માતગ્રસ્‍ત કારના ફુરચે-ફુરચા ઉડ્‍યાં હતા. ત્‍યારે એક બાદ એક ત્રણ અકસ્‍માતને કારણે આજે રવિવારનો દિવસ ગુજરાત માટે કાળમુખો સાબિત થયો છે.

 

(9:49 AM IST)