તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
સમુદ્રના મોજાંએ ઓકી દેશ વિરોધી તત્વોની કાળી કમાણી: સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી દરિયા કિનારે બિનવારસુ હાલતમાં રઝળતો લાખોની કિંમતનો નશાનો જથ્થો ઝડપાયો
આંતરિક સુરક્ષાને ખોખલી કરવાના નાપાક મનસૂબા પર પાણી ફરી વળ્યું, પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સીધી સૂચનાથી ચલાવાયેલા સઘન સર્ચ ઓપરેશન દરમિયાન રાતડી ગામના દરિયા કિનારેથી ચરસના પેકેટો મળી આવતા મરીન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા

પોરબંદર: આંતરરાષ્ટ્રીય જળસીમા પર સુરક્ષા એજન્સીઓની સતત વધતી જતી ભીંસના કારણે દેશના દુશ્મનો ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના પોતાના મનસૂબા પાર પાડી શકતા નથી. પરિણામે પકડાઈ જવાના ડરથી તેઓ ડ્રગ્સનો કરોડો રૂપિયાનો જથ્થો મધ્ય દરિયામાં જ ફેંકી દેવા મજબૂર બન્યા છે. સમુદ્રના જોરદાર પ્રવાહના કારણે આ ફેંકાયેલા માદક પદાર્થો કિનારા તરફ તણાઈ આવતા હોવાની ચોક્કસ વિગતો પોલીસ તંત્રને મળી હતી, જેને પગલે પશ્ચિમ કિનારાના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય બનાવી દેવામાં આવી છે.
ભૂતકાળના આવા જ કડવા અનુભવોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા દરિયાઈ પટ્ટી પર સતત બાજ નજર રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. આ ખાસ ઝુંબેશ અંતર્ગત સ્થાનિક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને મરીન પોલીસની ટીમો સતત પેટ્રોલિંગમાં હતી. દેશને આંતરિક રીતે ખોખલો કરવાના આતંકી અને દેશવિરોધી તત્વોના પ્રયાસોને નાકામ કરવા માટે સમગ્ર કોસ્ટલ બેલ્ટ પર પોલીસ જવાનો રાત-દિવસ એક કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા.
આ સઘન ચેકિંગ દરમિયાન દરિયા કિનારાના પટ્ટી વિસ્તારમાં તૈનાત એસ.ઓ.જી.ના જાંબાઝ જવાનોને એક મહત્વપૂર્ણ અને સંયુક્ત હકીકત હાથ લાગી હતી. બાતમીદારો પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે પોલીસ કાફલાએ તુરંત જ રાતડી ગામ નજીક આવેલા સ્મશાન ગૃહની દક્ષિણ દિશા તરફ કૂચ કરી હતી. જ્યાં સમુદ્રની લહેરો પુરી થતી હતી તે ભેજવાળા અને નિર્જન વિસ્તારમાં બારીકાઈથી તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ ટીમને કિનારે બિનવારસુ હાલતમાં પડેલું એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટને ખોલીને તપાસતા તેમાંથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત મારીઝુઆના હસીસ એટલે કે ચરસનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ તાકીદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને કુલ ૧ કિલો અને ૨૧૫ ગ્રામ વજન ધરાવતો આ નશાનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂપિયા ૩,૦૩,૭૫૦/- જેટલી આંકવામાં આવી રહી છે.
આ સફળ અને પ્રશંસનીય કામગીરીમાં એસ.ઓ.જી. ના પી.આઈ. સહિત એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતના બહાદુર કર્મચારીઓએ ખડેપગે રહીને મહત્વની ભૂમિકા ભજવી છે. દરિયાકાંઠાના માર્ગેથી ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં નશાનું નેટવર્ક ફેલાવવાનું કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ગુનો નોંધીને આ માલ ક્યાંથી આવ્યો અને કોને મોકલવાનો હતો તે દિશામાં ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઈ છે.
આ નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે પોલીસ પ્રશાસન દ્વારા દરિયાકાંઠાના સ્થાનિક માછીમારો અને પગદંડીયા ભાઈઓને એક ખાસ નમ્ર અપીલ કરવામાં આવી છે. દેશની સુરક્ષા કાજે જો કોઈ પણ નાગરિકને દરિયા કિનારે આવા બિનવારસુ પેકેટો અથવા શંકાસ્પદ ચીજવસ્તુઓ નજરે પડે, તો તેમણે સહેજ પણ ગભરાયા વગર તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ અથવા કોસ્ટલ સિક્યોરિટીના લાઈન નંબર પર સંપર્ક કરી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
