તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 27th May 2026
છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ :ખેતરમાંથી કરોડોના ગાંજા સાથે એક આરોપી ઝડપાયો
પોલીસે ખેતરમાંથી ગાંજાના કુલ 508 છોડ જપ્ત કર્યા: કુલ વજન 156 કિલો અને 300 ગ્રામ: જપ્ત કરાયેલા ગાંજાના જથ્થાની બજાર કિંમત અંદાજે રૂપિયા 78.15 લાખ જેટલી આંકવામાં આવી

છોટાઉદેપુર જિલ્લા પોલીસને વધુ એક મોટી સફળતા સાંપડી છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ખેતીની આડમાં ચાલતા નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
છોટાઉદેપુર જિલ્લા SOG પોલીસને બાતમી મળી હતી કે રાઠ વિસ્તારના કોલીયાથોર ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે નશાકારક વનસ્પતિની ખેતી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા કોલીયાથોર ગામના એક ખેતરમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ત્યાં અન્ય પાકની આડમાં વનસ્પતિજન્ય ગાંજાના છોડ ઉછેરવામાં આવ્યા હતા. પોલીસે ખેતરમાંથી ગાંજાના કુલ 508 છોડ જપ્ત કર્યા છે, જેનું કુલ વજન 156 કિલો અને 300 ગ્રામ જેટલું થાય છે. આ જપ્ત કરાયેલા ગાંજાના જથ્થાની બજાર કિંમત અંદાજે રૂપિયા 78.15 લાખ જેટલી આંકવામાં આવી છે. પોલીસની આ સતર્કતાને કારણે લાખો રૂપિયાનો નશો બજારમાં પહોંચતા પહેલા જ રોકી લેવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખે માહિતી આપતા જણાવ્યું હતું કે, એસ.ઓ.જી. સબ ઇન્સ્પેક્ટર મયુરસિંહ જાદવ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન ખેતરના માલિક ઉદલિયાભાઈ ભુચરાભાઈ રાઠવાની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ ગાંજાના જથ્થાનું વેચાણ ક્યાં કરવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ. પોલીસની આ કામગીરીથી સમગ્ર પંથકમાં નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
