તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
સુરતના ઉત્રાણમાં ભાજપનો કેસરીયો માહોલ: પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ચૂંટણી પહેલા જ ભવ્ય વિજયનો હુંકાર કર્યો, 700થી વધુ બેઠકો બિનહરીફ!
કોંગ્રેસ માત્ર ચૂંટણીમાં દેખાય, ભાજપનો કાર્યકર 365 દિવસ જનતાની સેવામાં”: મહિલા આરક્ષણ બિલ મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જગદીશભાઈ વિશ્વકર્મા - સુરતમાં વિકાસ સંકલ્પ સભા ગજવી

સુરત | તા.18: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સુરત મહાનગરના ઉત્રાણ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વિપક્ષો પર આકરા પ્રહાર કરી ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રજોગ સંબોધનને કાર્યકર્તાઓ સાથે નિહાળ્યું હતું અને ગુજરાતમાં ભાજપના શાસનકાળની સિદ્ધિઓ વર્ણવી હતી.
ચૂંટણી પહેલા જ વિજયનો સંકેત
જગદીશભાઈ વિશ્વકર્માએ સભાને સંબોધતા એક મહત્વનો આંકડો રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે જ ભાજપનો કેસરીયો માહોલ છવાઈ ગયો છે. રાજ્યની 700થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જે દર્શાવે છે કે જનતાનો ભાજપ પરનો વિશ્વાસ અકબંધ છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન મોદીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી, તેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. ભાજપ જે કામનું ખાતમુહૂર્ત કરે છે, તેનું લોકાર્પણ પણ પોતે જ કરે છે, એ જ અમારી ઓળખ છે.
કાર્યકર્તાઓની તાકાત અને વિપક્ષ પર કટાક્ષ
વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, "કોંગ્રેસ અને અન્ય પક્ષો માત્ર ચૂંટણીના ટાણે જ જનતા વચ્ચે દેખાય છે, જ્યારે ભાજપનો કાર્યકર ચૂંટણીલક્ષી નહીં પણ સેવાલક્ષી છે." તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના 50 હજાર બૂથ પર ભાજપના કાર્યકર્તાઓ રાત-દિવસ મહેનત કરીને સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી રહ્યા છે. જનતાનો એક-એક મત ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે છે.
મહિલા આરક્ષણ મુદ્દે વિપક્ષને ઘેર્યા
મહિલા સશક્તિકરણના મુદ્દે બોલતા જગદીશભાઈએ વિપક્ષોને આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યું કે સંસદમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહિલાઓને ન્યાય આપવા માટે આરક્ષણ બિલ લાવ્યા, ત્યારે કોંગ્રેસ સહિતના પક્ષોએ તેનો વિરોધ કરીને દેશની નારીશક્તિનું અપમાન કર્યું છે. ગુજરાત અને દેશની મહિલાઓ આ અપમાનને ક્યારેય નહીં ભૂલે અને આગામી સમયમાં વિપક્ષને જડબાતોડ જવાબ આપશે.
દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંતભાઇ કોરાટ, સુરત મહાનગર અધ્યક્ષ પરેશભાઇ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ સહિતના અનેક ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતાએ ભાજપ પર જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે, તે પારદર્શક વહીવટને આભારી હોવાનું જણાવી જગદીશભાઈએ કાર્યકર્તાઓને વધુ જોશ સાથે જનતાની સેવામાં જોતરાવા આહવાન કર્યું હતું.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
