<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ભાજપના નિયમો જ ભાજપને નડશે : ત્રણ ટર્મ પછી ટિકિટ ન આપવાના નિયમ અંગે સાંસદ મનસુખ વસાવાએ ઝાટકણી કાઢી

 

અમદાવાદ : સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ પહેલાં ભરૂચના ભાજપના સાંસદ શ્રી મનસુખ વસાવાએ પક્ષની ટિકિટ ફાળવણીના નિયમો, ખાસ કરીને ‘ત્રણ ટર્મ' ના નિયમ સામે ખુલ્‍લેઆમ નારાજગી વ્‍યક્‍ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે આવા કડક નિયમોના કારણે પક્ષના વરિષ્ઠ અને અનુભવી કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે અંતે ભાજપને જ મોટું નુકસાન પહોંચાડશે.

મળતી વિગતો અનુસાર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની અંદર જ ટિકિટ ફાળવણીના નવા નિયમોને લઈને મોટો આંતરિક વિવાદ સપાટી પર આવ્‍યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ નેતૃત્‍વના આ નિર્ણયો સામે સવાલો ઉઠાવ્‍યા છે.

નિયમો સામે વિરોધ : સાંસદ મનસુખ વસાવાએ ખાસ કરીને એ નિયમ સામે ભારે આક્રોશ વ્‍યક્‍ત કર્યો છે જેમાં ૩ ટર્મ કે તેથી વધુ વખત ચૂંટણી લડેલા ઉમેદવારોને ટિકિટ ન આપવાની વાત છે.

બેવડા ધોરણોનો આક્ષેપ : તેમણે સીધો જ સવાલ ઉઠાવ્‍યો છે કે જ્‍યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં આવા કોઈ જ નિયમો લાગુ પડતા નથી, તો પછી માત્ર પાલિકા અને પંચાયત જેવી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓમાં જ આ નિયમ શા માટે થોપી બેસાડવામાં આવી રહ્યો છે?

કાર્યકરોમાં નારાજગી : મનસુખભાઈના દાવા મુજબ, જો ૩ ટર્મ સુધી ચૂંટણી લડનારા અને જીતનારા અનુભવી નેતાઓને ટિકિટ નહીં અપાય, તો તેઓ નિષ્‍ક્રિય થઈ જશે. આવા નિયમોના કારણે માત્ર કોઈ એક જ વિસ્‍તારમાં નહીં, પરંતુ સમગ્ર ગુજરાતભરમાં પક્ષના પાયાના કાર્યકરો ભારે નારાજ છે.

પક્ષને નુકસાનની ભીતિ : વસાવાએ સ્‍પષ્ટપણે જણાવ્‍યું છે કે પાર્ટીમાં આ પ્રકારના નિયમો બિલકુલ ન હોવા જોઈએ. જો આ નિયમોનો ચુસ્‍ત અમલ થશે તો 'ભાજપ જ ભાજપને હરાવશે' અને પક્ષને ભયંકર નુકસાન વેઠવાનો વારો આવશે.

જોકે ચૂંટણીના પરિણામો જોતા આ નિવેદનોની કોઈ અસર જોવા મળી નથી.

(4:40 PM IST)