<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ગુજરાતને મળેલા સ્વચ્છતા એવોર્ડ્સ પર કોંગ્રેસના સવાલો સામે ભાજપનો પલટવાર : ગુજરાત અને દેશની પ્રગતિ કોંગ્રેસને આંખના કણાની જેમ ખૂંચે છે - ડૉ. અનિલભાઈ પટેલ

સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડોનો અભ્યાસ કરવા પ્રદેશ મુખ્ય પ્રવક્તાની કોંગ્રેસને સલાહ : વસ્તી આધારિત વિવિધ શ્રેણીઓમાં તંદુરસ્ત સ્પર્ધા થકી જનજાગૃતિ લાવવાનો સર્વેક્ષણનો મુખ્ય હેતુ હોવાનું જણાવી ઈર્ષ્યા છોડી જાહેર હિતમાં વિચારવા અનુરોધ કર્યો

અમદાવાદ: ગુજરાતને સ્વચ્છતા ક્ષેત્રે મળેલા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ અંગે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો સામે ગુજરાત ભાજપના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસને હંમેશા અમદાવાદ, ગુજરાત કે દેશની કોઈપણ પ્રગતિ અને સફળતા આંખના કણાની જેમ ખૂંચતી હોય છે. રાહુલ ગાંધીની બીમારી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના મગજમાં પણ ઘૂસી ગઈ હોય તેમ દરેક સારા મુદ્દે વાંધો ઉઠાવવો અને વિરોધ કરવો એ કોંગ્રેસની કાર્યપદ્ધતિ બની ગઈ છે. અમદાવાદ કે રાજ્યના અન્ય કોઈ શહેરની સિદ્ધિઓ પ્રત્યે અદેખાઈ કરવી એ કોંગ્રેસનો સ્વભાવ બની ચૂક્યો છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા ડૉ. અનિલભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસના મિત્રોએ પહેલા એ જાણવું જોઈએ કે સ્વચ્છતા સર્વેક્ષણ કઈ રીતે થાય છે અને તેના નિર્ધારિત માપદંડો શું છે. જુદા જુદા માપદંડોના આધારે શહેરોને રેન્કિંગ આપવામાં આવે છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં સમગ્ર દેશની વિવિધ શ્રેણીની અર્બન બોડીઝ સામેલ થાય છે, જેમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો, ૪૦ થી ૫૦ લાખની વસ્તી ધરાવતા શહેરો, ૧૦ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો તેમજ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં ઇન્દોરને પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું અને દેશના જુદા જુદા રાજ્યોની અર્બન બોડીઝને તેમની કામગીરી મુજબ ક્રમાંક મળતા હોય છે.

સ્વચ્છતા સર્વેક્ષણ પાછળનો મૂળ ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ આંતરિક રીતે તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઊભું કરવાનો છે, જેથી નગરપાલિકાઓથી લઈને મહાનગરો સુધીની તમામ સંસ્થાઓ સ્વચ્છતા માટે વધુ પ્રયત્નશીલ બને અને સ્થાનિક નાગરિકો પણ આ ઝુંબેશમાં જોડાઈને જાગૃત બને. તેમણે કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરતા જણાવ્યું હતું કે તેઓ પોતાના મગજમાં રહેલો કચરો બહાર કાઢીને ખુલ્લી આંખે સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડોનો અભ્યાસ કરે. અંતમાં તેમણે અદેખાઈ અને ઈર્ષ્યાભરી દૃષ્ટિ દૂર કરીને જાહેર હિતમાં વિચારવા તેમજ બિનજરૂરી રીતે જનતાને ઉશ્કેરવાનું બંધ કરવા કોંગ્રેસને અનુરોધ કર્યો હતો.

(5:01 PM IST)