News of Sunday, 12th April 2026
રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ભાજપાના ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમની ગુંજ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્ણાવતી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરામાં ઉમેદવારોને લેવડાવ્યા શપથ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનને પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવા અને અંત્યોદયની વિચારધારા સાથે પ્રજાની વચ્ચે રહીને કાર્ય કરવા ઉમેદવારોએ કટિબદ્ધતા વ્યક્ત કરી

અમદાવાદ : ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં આજે ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કર્ણાવતી મહાનગર (અમદાવાદ) ખાતે કાંકરિયામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા પાસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહીને કર્ણાવતી મહાનગરના 48 વોર્ડના તમામ ભાજપા ઉમેદવારોને જનસેવાના શપથ લેવડાવ્યા હતા. તમામ ઉમેદવારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સંકલ્પ કર્યો હતો.
કર્ણાવતીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંકલ્પ:
કર્ણાવતી મહાનગરના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેદવારોને ભાજપાની વિચારધારા મુજબ સતત જનતાની વચ્ચે રહીને સેવા કરવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા અને કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પ્રેરાકભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા સહિતના ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓની હાજરીમાં ભાજપાના તમામ ઉમેદવારોએ વિકાસની રાજનીતિને આગળ ધપાવવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરચો સંભાળ્યો:
બીજી તરફ, વડોદરા મહાનગર ખાતે કાલાઘોડા સર્કલ પાસે આયોજિત સંકલ્પ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે મેદાનમાં ઉતરેલા ભાજપાના ઉમેદવારોએ હર્ષ સંઘવીની હાજરીમાં જનસેવાનો સંકલ્પ લીધો હતો. આ અવસરે રાજ્ય સરકારના મંત્રી ડો. મનિષાબેન વકિલ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લા પણ હાજર રહ્યા હતા.
રાજ્યભરમાં ભાજપાના કાર્યકરોનો ઉત્સાહ:
વડોદરાના કાર્યક્રમમાં મહાનગર ભાજપા અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની, સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. ભાજપાના આ ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ દ્વારા સત્તાધારી પક્ષે ચૂંટણી પૂર્વે જનતા સમક્ષ પોતાનો સેવાભાવ રજૂ કર્યો છે. પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવ્યા અનુસાર, તમામ મહાનગરોમાં ઉમેદવારોએ નરેન્દ્રભાઈ મોદીની સરકારની યોજનાઓના સો ટકા અમલીકરણ માટે સંકલ્પબદ્ધ થઈ જનતાના આશીર્વાદ મેળવવાની તૈયારી કરી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
