તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
કર્ણાવતીના જે.પી. ચોક ખાતે ભાજપનો ભવ્ય વિજયોત્સવ : વિકાસની રાજનીતિ પર જનતાએ ફરી એકવાર મહોર મારી - મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં વિજયી હુંકાર : ૧૫ મહાનગરપાલિકા અને ૩૩ જિલ્લા પંચાયતોમાં કેસરિયો લહેરાયો

અમદાવાદ:ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલા પ્રચંડ વિજયને વધાવવા માટે કર્ણાવતી મહાનગરના ખાનપુર સ્થિત ઐતિહાસિક જે.પી. ચોક ખાતે ભવ્ય વિજયોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના દિગ્ગજ નેતાઓએ કાર્યકરો સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો.
વિજય સભાને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજનો આ વિજય જનતાના ભાજપ પ્રત્યેના અવિરત વિશ્વાસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહેલી સકારાત્મક રાજનીતિનો વિજય છે. તેમણે દરેક જન પ્રતિનિધિઓને પારદર્શિતા અને પ્રતિબદ્ધતા સાથે છેવાડાના માનવીના હિતમાં કાર્યરત રહેવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'વિકસિત ભારત ૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવા માટે આ પ્રચંડ જનાદેશ પાયાનું કામ કરશે. પ્રત્યેક કાર્યકર્તાના અથાગ પરિશ્રમથી આજે ગુજરાતમાં સર્વત્ર કમળ ખીલ્યું છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ જીતને ભાજપના કાર્યકર્તાઓની ૩૬૫ દિવસની સેવાનું ફળ ગણાવ્યું હતું. તેમણે આંકડાકીય વિગતો આપતા કહ્યું કે, રાજ્યની તમામ ૧૫ મહાનગરપાલિકા, ૩૪ માંથી ૩૩ જિલ્લા પંચાયત અને ૮૪ માંથી ૭૬ નગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. વિરોધ પક્ષો પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, ચૂંટણી સમયે જ દેખાતા લોકોને જનતાએ જડબાતોડ જવાબ આપી નકારી કાઢ્યા છે અને આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ આવા તત્વોનો સફાયો નિશ્ચિત છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલા અપપ્રચાર સામે આકરા પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતના નાગરિકોએ તમામ ષડયંત્રોનો વ્યાજ સાથે હિસાબ ચુકતે કરી દીધો છે. અતિવૃષ્ટિ, કોરોના કે પૂર જેવી આપત્તિમાં ભાજપના કાર્યકર્તાઓ હંમેશા જનતાની પડખે રહ્યા છે અને તેનો બદલો જનતાએ આશીર્વાદ સ્વરૂપે આપ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
