<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

દહેગામમાં ભાજપના મહિલા ઉમેદવાર એક મતથી જ હારી ગયા

ચૂંટણી પરિણામોમાં આ બેઠકની જીત રસપ્રદ રહી દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ની મતગણતરી બાદ સામાન્‍ય સ્‍ત્રી બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દીપિકાબેન મહેતાને ૧૧૮૨ વોટ મળ્‍યા હતા. જ્‍યારે ભાજપના રીનાબેન મિલનભાઈ પટેલને ૧૧૮૧ મત મળ્‍યા હતા

દહેગામ,તા.૨૯: ગુજરાતમાં મંગળવારે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીના પરિણામોમાં બીજેપીનો ભગવો લહેરાયો છે. ક્‍યાંક ક્‍યાંક ઉમેદવારો હજારોની લીડથી જીત્‍યા છે તો દહેગામમાં તો માત્ર એક જ મતથી ઉમેદવાર જીતી ગયા છે. ચૂંટણી પરિણામોમાં આ બેઠકની જીત રસપ્રદ રહી હતી. દહેગામ નગરપાલિકાના નંબર બેમાં ભાજપના મહિલા ઉમેદવાર રિનાબેન પટેલ માત્ર એક મતે હાર્યા હતા.

દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ ની મતગણતરી બાદ સામાન્‍ય સ્‍ત્રી બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દીપિકાબેન મહેતાને ૧૧૮૨ વોટ મળ્‍યા હતા. જ્‍યારે ભાજપના રીનાબેન મિલનભાઈ પટેલને ૧૧૮૧ મત મળ્‍યા હતા. ચૂંટણી અધિકારીએ દીપીકાબેન મહેતાને વિજેતા જાહેર કર્યા હતા. જે બાદ ભાજપના ઉમેદવાર રીનાબેન પટેલે રિકાઉન્‍ટિંગની માંગ કરી હતી. જેથી ચૂંટણી અધિકારીએ તેમની માંગ સ્‍વીકારી તમામ વોર્ડના મતની ગણતરી પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર ૨ નું રિકાઉન્‍ટિંગ કરાવ્‍યુ હતુ. જેમા કોઈપણ પ્રકારનો ફેરફાર આવ્‍યો ન હતો.

દહેગામ નગરપાલિકાની કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપે ૧૭ બેઠકો જીતીને બહુમતી મેળવી છે. ગત ચૂંટણીમાં પાંચ બેઠકો ધરાવતી કોંગ્રેસે આ વખતે ૧૧ બેઠકો મેળવી છે. વોર્ડ નં. ૧ અને ૩ માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. જ્‍યારે ભાજપના ગઢ ગણાતા વોર્ડ નં. ૨ માં પણ કોંગ્રેસે ગાબડું પાડી ત્રણ બેઠકો પોતાના નામે કરી હતી. વોર્ડ નંબર ૪, ૫, ૬ અને ૭ માં ભાજપની જીત થઈ છે. તાલુકા પંચાયતની ૨૮ બેઠકોમાંથી ભાજપે ૨૨ બેઠકો પર કબજો કર્યો છે, જે ગત ટર્મની ૧૬ બેઠકોની સરખામણીએ મોટો ઉછાળો છે.

દહેગામ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ સૌનું ધ્‍યાન ખેંચ્‍યું છે. અહીં બીજા વોર્ડ નંબર ૫ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીશી દીપકકુમાર અમીને પણ લોકો તરફ ધ્‍યાન ખેંચ્‍યુ છે. માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે નગરપાલિકાની ચૂંટણી જીતીને તેઓ દહેગામના સૌથી યુવા લોક પ્રતિનિધિ તરીકે ઉભરી આવ્‍યા છે. વોર્ડ નંબર ૫ માં ભાજપના તમામ ઉમેદવારો વિજયી બન્‍યા છે, પરંતુ યુવા ચહેરા તરીકે રીશી અમીનની જીતની ચર્ચા સમગ્ર પંથકમાં થઈ રહી છે. મતદારોએ તેમનામાં વિશ્વાસ મૂકીને તેમને જંગી મતોથી વિજય અપાવ્‍યો છે. આ વિજય સાબિત કરે છે કે લોકો હવે યુવા નેતૃત્‍વ અને વિકાસની રાજનીતિને પ્રાધાન્‍ય આપી રહ્યા છે.

(4:17 PM IST)