<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના કોંગ્રેસના નિવેદન સામે ભાજપનો પલટવાર : કોંગ્રેસ પાયાવિહોણા આક્ષેપો કરી ભ્રમ ફેલાવી રહી છે - ડો. અનિલ પટેલ

પરંપરાગત રીતે ચોમાસું ૧૫ ઓક્ટોબર સુધી ગણાય છે, સરકાર સ્થિતિની ચકાસણી કરી રહી છે : અતિવૃષ્ટિમાં ૧૦ હજાર કરોડથી વધુનું પેકેજ અપાયાનું પ્રદેશ મુખ્ય પ્રવક્તાનું નિવેદન

ગાંધીનગર   : સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન સામે ગુજરાત પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે આક્રમક પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના આક્ષેપોને ફગાવતાં ડો. પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાયાવિહોણા આક્ષેપો કરીને જનતાને ભ્રમિત કરી રહી છે અને જૂઠાણું ફેલાવી રહી છે.

પરંપરાગત પદ્ધતિ અનુસાર ચોમાસાનો સમયગાળો ૧૫ ઓક્ટોબર સુધીનો ગણવામાં આવે છે અને રાજ્ય સરકાર હાલ સમગ્ર સ્થિતિની ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે. માત્ર બે-ત્રણ જિલ્લામાં જ વરસાદ ઓછો થયો હોવાનું જણાવી તેમણે કહ્યું કે વહીવટી તંત્ર દ્વારા હાલ સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે. ભાજપ સરકાર હંમેશાં ખેડૂતોના હિતમાં રહી છે અને જો વાસ્તવમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે તો ખેડૂતોને સહાય આપણી સરકાર જ પૂરી પાડશે.

ખેડૂતલક્ષી રાહતો અને સરકારના કાર્યોની વિગતો:
ડો. અનિલ પટેલે ભાજપ સરકારની ઉપલબ્ધિઓ વર્ણવતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૬ સુધીના સમયગાળામાં ભાજપ સરકારે ૧૬ થી ૧૭ વખત વિશેષ સહાય પેકેજો જાહેર કર્યા છે. રાજ્યમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે પણ ભાજપ સરકારે રૂ. ૧૦, કરોડ કરતાં વધુનું માતબર પેકેજ જાહેર કરીને નાગરિકો અને ખેડૂતોને રાહત આપી હતી. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ અને વિશેષ કમિટી દ્વારા પાણી અને વીજળીની સ્થિતિ અંગે સતત રિવ્યૂ મેળવવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારના સહયોગ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને રૂ. ૭૦ હજાર કરોડથી વધુની સહાય કેન્દ્ર સરકારે આપી છે. આ ઉપરાંત ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે નાણાકીય સહાય પૂરી પાડવાની ભાજપ સરકારની સ્પષ્ટ નીતિ-રીતિ રહી છે, જેથી ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બની શકે. સરકાર દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં ખેડૂતોની સાથે અડીખમ ઉભી છે.

(3:48 PM IST)