<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપનું પ્રચાર અભિયાન તેજ : ‘શ્રી કમલમ’ ખાતે આકર્ષક ચૂંટણી સામગ્રી અને સાહિત્યનું પ્રદર્શન યોજાયું

વિકાસ અને સુશાસનના રિપોર્ટ કાર્ડ સાથે ભાજપ મેદાને : પ્રચાર અભિયાનના બીજા તબક્કામાં ડોર-ટુ-ડોર સંપર્ક અને ડિજિટલ પ્રચાર પર ભાર : બાળકોથી લઈ વૃદ્ધો સુધીની તમામ વયના લોકો માટે કમળના નિશાનવાળી વૈવિધ્યસભર સામગ્રી તૈયાર

 ગાંધીનગર:  ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે આજે પક્ષ દ્વારા ઉપયોગમાં લેવાનાર નવીન અને આકર્ષક ચૂંટણી પ્રચાર સામગ્રી તેમજ સાહિત્યનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, વિકાસ, સુશાસન અને જનકલ્યાણના કાર્યોના જોરે ભાજપ જનતાના વિશ્વાસ સાથે પ્રચારમાં અગ્રેસર રહ્યો છે.

 

 ત્રણ તબક્કાનું પ્રચાર અભિયાન:

ભાજપનું પ્રચાર અભિયાન કુલ ત્રણ તબક્કામાં વહેંચાયેલું છે. જે પૈકી પ્રથમ તબક્કો ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પૂર્ણ થયો છે અને હાલ બીજો તબક્કો પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્રીજો અને અંતિમ તબક્કો મતદાનના દિવસ સુધી ચાલશે. ડૉ. અનિલભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની યોજનાઓ અને વિકાસકાર્યોના રિપોર્ટ કાર્ડના આધારે જનતા ફરી એકવાર ભાજપને ભવ્ય વિજય અપાવશે.

 

 વૈવિધ્યસભર પ્રચાર સામગ્રીનું આકર્ષણ:

આ વખતે ચૂંટણી પ્રચારને વધુ પ્રભાવી બનાવવા માટે પક્ષ દ્વારા વિશેષ પ્રકારની સામગ્રી તૈયાર કરવામાં આવી છે. જેમાં સરકારની સિદ્ધિઓ દર્શાવતી પ્રચાર સાહિત્ય પત્રિકાઓ, વિકાસકાર્યોની માહિતી ધરાવતા બેનરો તેમજ કમળના નિશાન સાથેની વસ્તુઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે, નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ દૈનિક જીવનમાં ઉપયોગમાં લઈ શકે તેવી અનેકવિધ ચીજવસ્તુઓ તૈયાર કરી પ્રચારમાં નવીનતા લાવવામાં આવી છે. આ સામગ્રીનો ઉપયોગ આગામી દિવસોમાં બૂથ સ્તર સુધીના અભિયાનમાં કરવામાં આવશે.

 

 મજબૂત સંગઠન અને જનસંપર્ક:

બૂથ સ્તર સુધી ફેલાયેલી ભાજપની મજબૂત સંગઠનશક્તિના આધારે અત્યારે ડોર-ટુ-ડોર જનસંપર્ક, ડિજિટલ માધ્યમો અને ગીત-સંગીત દ્વારા પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જનતાના મૂડ પરથી ‘જનસમર્થન ભાજપને, જનસમર્થન વિકાસને’ સૂત્ર ચરિતાર્થ થતું હોવાનું પક્ષે જણાવ્યું છે. આ નિદર્શન પ્રસંગે ચૂંટણી પ્રચાર પ્રસાર વિભાગના ઇન્ચાર્જ અતુલભાઈ ભાવસાર અને પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. પક્ષ દ્વારા તૈયાર કરાયેલ આ તમામ સાહિત્ય આગામી દિવસોમાં રાજ્યભરમાં પ્રચારને વેગ આપવા માટે મોકલવામાં આવશે.

(2:55 PM IST)