તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
ભાજપાનો કાર્યકર વર્ષના ૩૬૫ દિવસ પ્રજાની વચ્ચે રહી તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સમર્પિત ભાવથી કાર્ય કરે છે : જગદીશભાઈ વિશ્વકર્મા
વન ડે, વન અસેમ્બલી’ સંકલ્પ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો વાંસદા વિધાનસભાનો પ્રવાસ યોજાયો:કાર્યકર્તાઓ, આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે સંવાદ સાધી સંગઠનને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા અર્થે માર્ગદર્શન આપતા પ્રદેશ અધ્યક્ષ :ખડકાલા ખાતે પક્ષના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી વિવિધ સંગઠનાત્મક અને સમકાલીન વિષયો અંગે પરામર્શ કરી સૂચનો પ્રાપ્ત કરતા જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર :ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ યાદીમાં જણાવે છે કે, ‘વન ડે, વન અસેમ્બલી’ના સંકલ્પ અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા વિસ્તારમાં વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ, વરિષ્ઠ આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને યુવાનો સાથે વ્યાપક સંવાદ સાધ્યો હતો તેમજ સંગઠનને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા અર્થે માર્ગદર્શન આપ્યું હતું.
જગદીશભાઈ વિશ્વકર્માએ ખડકાલા ખાતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે યોજાયેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષએ વિવિધ સંગઠનાત્મક અને સમકાલીન વિષયો અંગે પરામર્શ કર્યો હતો. પરસ્પર સંવાદ દરમિયાન તેમણે વરિષ્ઠ આગેવાનો પાસેથી સૂચનો પ્રાપ્ત કર્યા હતા તેમજ વર્ષોથી પક્ષ માટે તેમણે આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.
વાંસદાના વાંસીયાતળાવ ખાતે આયોજિત બૂથ સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષએ વિધાનસભા વિસ્તારના બૂથ કાર્યકર્તાઓ અને ભાજપા આગેવાનો સાથે વિસ્તૃત સંવાદ સાધી વિવિધ સંગઠનાત્મક વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે કાર્યકર્તાઓને સતત પ્રવાસ, મજબૂત લોકસંપર્ક અને બૂથ સ્તર સુધીના સુચારુ વ્યવસ્થાપન સાથે અવિરત કાર્યરત રહેવા આહ્વાન કર્યું હતું. સાથે જ સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપાનો કાર્યકર વર્ષના ૩૬૫ દિવસ પ્રજાની વચ્ચે રહી તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સમર્પિત ભાવથી કાર્ય કરે છે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વાંસીયાતળાવ ખાતે ભાજપાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પણ સંવાદ યોજ્યો હતો. આ પ્રસંગે તેમણે જનપ્રતિનિધિઓને પ્રજાની અપેક્ષાઓને કેન્દ્રમાં રાખી સંવેદનશીલતા, સમર્પણ અને વિકાસલક્ષી અભિગમ સાથે વધુ અસરકારકતા સાથે સતત કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વાંસદા ખાતે આયોજિત ‘મોરચા સંયુક્ત બેઠક’માં પ્રદેશ અધ્યક્ષએ ભાજપાના વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સંગઠનને વધુ સશક્ત, સક્રિય અને ગતિશીલ બનાવવા માટે જરૂરી સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
વાંસદાના ગંગપુર ખાતે આયોજિત ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષએ યુવાનો સાથે સીધો સંવાદ સાધી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તેમજ છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન દેશમાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યો અને સકારાત્મક પરિવર્તન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ગુજરાત અને દેશે વીજળી, પાણી, માર્ગ-માળખું, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ડિજિટલ કનેક્ટિવિટી અને ઉદ્યોગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઐતિહાસિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આજે દેશના યુવાનો માટે નવી તકોનું સર્જન થયું છે.
તેમણે યુવાનોને સ્કિલ ઇન્ડિયા, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવાનું આહ્વાન કર્યું હતું.
ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સંગઠનની બૃહદ સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ સંગઠનાત્મક બાબતો અંગે તેમણે વિગતવાર માર્ગદર્શન આપી આગામી કાર્યક્રમો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વાંસદા વિધાનસભાના પ્રવાસ દરમિયાન વલસાડ લોકસભાના સાંસદ તેમજ પ્રદેશ ભાજપાના સહપ્રવકતા ધવલભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયની મુલાકાત કરી હતી તેમજ નવસારી જિલ્લા ભાજપા અધ્યક્ષ ભૂરાભાઈ શાહના નિવાસસ્થાનની મુલાકાત કરી પરિવારજનો તથા ભાજપા કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મંત્રી શંકરભાઈ આમલિયાર, નવસારી જિલ્લા ભાજપા અધ્યક્ષ ભૂરાભાઈ શાહ, સાંસદ તથા પ્રદેશ સહ-પ્રવક્તા ધવલભાઈ પટેલ સહિત જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
