<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ભાજપે ૯૦ ટકા બેઠકો જીતીઃ વિપક્ષો ૧૦ ટકામાં સમેટાયા

૧૫ મહાનગરપાલિકાની ૧,૦૪૪ બેઠકમાંથી ૯૩૭ બેઠક ભાજપે જીતી : ૮૪ નગરપાલિકામાં ૭૮માં ભાજપની જીત નોંધાઈઃ તાલુકા પંચાયતમાં ૨૬૦ બેઠકમાંથી ૨૫૩ પર ભાજપનો ભગવો લહેરાયો

અમદાવાદ,તા.૨૯: ગુજરાતમાં  યોજાયેલી સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં ભાજપે ૯૦ ટકા બેઠકો જીતી છે. જ્‍યારે વિપક્ષો ૧૦ ટકામાં સમેટાયા છે. રાજ્‍યની ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્‍લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણી પરિણામો જાહેર થયા હતા. આ બેઠકોમાંથી ૭૩૬   બેઠક ચૂંટણી પહેલા જ બિનહરિફ જાહેર થઈ હતી.

૧૫ મહાનગરપાલિકાની ૧,૦૪૪ બેઠકમાંથી  ૯૩૭ બેઠક ભાજપે જીતી

આજે જાહેર થયેલા પરિણામોમાં તમામ ૧૫ મહાનગરપાલિકામાં ભાજપનો વિજય થયો હતો. ગાંધીધામ, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, ભાવનગર, સુરેન્‍દ્રનગર, અમદાવાદ, મહેસાણા  વડોદરા, સુરત, આણંદ, નડિયાદ, નવસારી અને વાપીમાં ૧૫ મહાનગરપાલિકાની કુલ ૧,૦૪૪ બેઠકમાંથી  ૯૩૭ બેઠક ભાજપે જીતી હતી અને ૯૫ કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્‍યારે  અન્‍યને ૧૨ બેઠક મળી હતી.

સુરત મનપામાં ભાજપે ૧૧૫ અને અમદાવાદમાં ૧૬૦ બેઠક જીતી

સુરત મનપામાં ભાજપે ૧૨૦માંથી ૧૧૫ જીતી હતી. ચાર બેઠક આમ આદમી પક્ષને ફાળે ગઈ હતી જ્‍યારે કોંગ્રેસને ફાળે એક બેઠક પણ આવી ન હતી.  સુરતનું પરિણામ આપ માટે ઝટકા સમાન હતું કારણ કે ગત ચૂંટણીમાં પક્ષે ૨૭ બેઠક મેળવી હતી. જ્‍યારે ભાજપનો ગ્રાફ વધીને ૯૩થી ૧૧૫ સુધી ગયો છે. ગુજરાતના સૌથી મહત્‍વના ગણાતા શહેર અમદાવાદમાં પણ ભાજપે સત્તા જાળવી રાખી છે. જેમાં ૧૯૨ બેઠકમાંથી ભાજપની ૧૬૦ અને કોંગ્રેસની ૩૨  બેઠક પર જીત મેળવી છે.

૮૪ નગરપાલિકામાં  ૭૮માં ભાજપની જીત નોંધાઈ

આ ઉપરાંત રાજ્‍યમાં ૮૪ નગરપાલિકાની ૨૬૨૪ બેઠકની ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા હતા. જેમાં ૧૯૭૬  પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્‍યારે કોંગ્રેસ ૪૮૪  બેઠક પર જીત મેળવી શકી છે તો ૧૬૪  બેઠક અન્‍ય પક્ષોને ફાળે ગઈ છે. કુલ ૭૮ નગરપાલિકા પર ભાજપની જીત નોંધાઈ હતી જ્‍યારે ૬ પર કોંગ્રેસને જીત મળી છે.

૩૪ જિલ્‍લા પંચાયતોમાંથી ૩૩માં ભાજપનો વિજય

૩૪ જિલ્‍લા પંચાયતોની ૧૦૯૦ બેઠકમાં ૮૯૦  બેઠક પર ભાજપ, કોંગ્રેસ ૧૩૬  અને અન્‍ય પક્ષોને ફાળે ૬૨  બેઠક મળી છે. જેમાં ૩૩ પર ભાજપે જીત મેળવી છે જ્‍યારે એક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે.

તાલુકા પંચાયતમાં ૨૬૦ બેઠકમાંથી ૨૫૩ પર ભાજપનો ભગવો લહેરાયો

તેમજ ૨૬૦ તાલુકા પંચાયતની  ૫૨૩૪ બેઠકના પરિણામો અંગે મળતા આંકડા અનુસાર ભાજપ ૩૫૨૪, કોંગ્રેસ ૯૯૯ અને અન્‍ય પક્ષોને ફાળે ૪૭૧ બેઠક ગઈ હતી. ૨૬૦ બેઠકમાંથી ૨૫૩ પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્‍યારે સાત બેઠક આપ અને કોંગ્રેસને મળી છે. 

(10:00 AM IST)