તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય માટે ભાજપ મહિલા મોરચો સજ્જ : રાજ્યભરમાં મહિલા સંમેલનો અને સંવાદના કાર્યક્રમોનો ગમગમાટ શરૂ થશે
૧૫થી ૨૩ એપ્રિલ દરમિયાન તમામ જિલ્લા-મહાનગરોમાં શક્તિ પ્રદર્શન : જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ નારીશક્તિ વંદન અધિનિયમ અને જનહિતલક્ષી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા અંજુબેન વેકરિયાનું એક્શન પ્લાન

ગાંધીનગર: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના જંગમાં વિજયી બનવા માટે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક કવાયત તેજ કરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ મહિલા મોરચાને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યો છે. પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અંજુબેન વેકરિયાએ રાજ્યવ્યાપી આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે, મહિલા મોરચો પક્ષને ભવ્ય વિજય અપાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને ૧૫ એપ્રિલથી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની વણઝાર શરૂ કરવામાં આવશે.
મહિલા સંવાદ અને જિલ્લા સંમેલનોનું આયોજન:
અંજુબેન વેકરિયાના જણાવ્યા અનુસાર, ૧૫ થી ૧૭ એપ્રિલ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘મહિલા સંવાદ’ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ડબલ એન્જિન સરકાર દ્વારા અમલી જનહિતલક્ષી યોજનાઓની માહિતી છેવાડાની બહેનો સુધી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત, ૧૫ થી ૨૩ એપ્રિલ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં વિશાળ મહિલા સંમેલનો યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. જેમાં મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સીધો સંવાદ સાધવામાં આવશે.
યુવા મતદારો અને ગામ સ્તરે સંપર્ક અભિયાન:
ચૂંટણીમાં નવા મતદારોની ભૂમિકા મહત્વની હોવાથી મહિલા મોરચો વિવિધ યુનિવર્સિટીઓ, કોચિંગ ક્લાસિસ અને એન.જી.ઓ. માં સંપર્ક અભિયાન હાથ ધરશે. જિલ્લા સ્તરે યુનિવર્સિટીની યુવતીઓ સાથે સંવાદ સત્રો યોજાશે. પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવા દરેક મંડલમાં ‘ઓટલા બેઠકો’ અને ગામડાઓમાં ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં લાભાર્થી મહિલાઓ સાથે મુલાકાત કરીને સરકારના કાર્યોની ચર્ચા કરવામાં આવશે.
નારીશક્તિ વંદન અધિનિયમ અને વિશેષ કાર્યક્રમો:
લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપતા ઐતિહાસિક “નારીશક્તિ વંદન અધિનિયમ” ના ઉપલક્ષ્યમાં મહિલા મોરચા દ્વારા વિશેષ ઉજવણી અને જનજાગૃતિના કાર્યક્રમો થશે. આ ઉપરાંત, ૧૮ એપ્રિલના રોજ ધાર્મિક અને સામાજિક એકતાના ભાગરૂપે રાજ્યના તમામ મંડલ અને વોર્ડમાં એકસાથે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, ભાજપ મહિલા મોરચાના આ આક્રમક પ્રચાર અભિયાનથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષની પકડ વધુ મજબૂત બનશે અને મહિલા મતદારોનો નિર્ણાયક સહયોગ પ્રાપ્ત થશે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
