<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

દિયોદર એપીએમસીમાં વેપારી વિભાગની 4 બેઠકોમાંથી ૩ બેઠકો પર ભાજપની ભવ્ય જીત :1 બેઠક કોંગ્રેસના ફાળે

ખરીદ વેચાણ સંઘની બે બેઠકો પર કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોનો ભવ્ય વિજય થતાં રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બન્યા

વાવ-થરાદ જિલ્લાના રાજકારણમાં મહત્વપૂર્ણ ગણાતી દિયોદર એપીએમસી ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સહકારી ક્ષેત્રના આ ગઢને સર કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. આજે યોજાયેલી મતગણતરી વચ્ચે અત્યાર સુધી સામે આવેલા આંકડાઓ અનુસાર, ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

 

દિયોદર એપીએમસીની ચૂંટણીમાં વેપારી વિભાગની કુલ 4 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં શાસક પક્ષ ભાજપે મજબૂત પકડ જમાવતા ૩ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. ખાસ કરીને, વેપારી વિભાગની આ બેઠકોની હરિફાઈમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાના સુપુત્ર નારણ ભુરીયા એ પણ મેદાનમાં ઝંપલાવ્યું હતું અને શાનદાર જીત હાંસલ કરી પોતાના પરિવાર અને સમર્થકોનું નામ રોશન કર્યું છે. નારણ ભુરીયાની આ જીતને લઈને ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

 વેપારી વિભાગમાં જ્યાં કેસરિયો રંગ જામ્યો છે, બીજી તરફ ખરીદ વેચાણ સંઘની મહત્વની ૨ બેઠકો પર વિપક્ષી કોંગ્રેસ પક્ષે બાજી મારી છે. ખરીદ વેચાણ સંઘની બે બેઠકો પર કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોનો ભવ્ય વિજય થતાં રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બન્યા છે. હાલ દિયોદર એપીએમસીની આ ચૂંટણીને લઈને મતગણતરીની પ્રક્રિયા હજુ પણ યથાવત છે અને અન્ય બેઠકોના પરિણામો ટૂંક સમયમાં જ બહાર આવનાર છે, જેના પર સમગ્ર બનાસકાંઠા જિલ્લાની રાજકીય નજર ટકેલી છે.

(1:12 PM IST)