<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

અમદાવાદના મણીનગરના ‘દક્ષિણી ચા રાજા’ના દર્શને પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા

મણિનગરમાં 69 વર્ષથી યોજાતા દક્ષિણી ચા રાજાના ગણેશોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ દર્શન કર્યા:ધારાસભ્ય અમૂલ ભટ્ટ, શહેર પ્રમુખ પ્રેરક શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગણેશોત્સવની ભક્તિમય શરૂઆત થઈ છે. મણિનગર ખાતે સ્થાપિત દક્ષિણી ચા રાજાના દર્શન માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પહોંચ્યા હતા. તેમણે ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મણિનગરમાં દક્ષિણી ચા રાજાની ગણપતિ સ્થાપનાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ ગણપતિની સ્થાપનાને 69 વર્ષ પૂર્ણ થયા છે. દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને ગણપતિ દાદાના દર્શન કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.

 

 

ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન દક્ષિણી ચા રાજાના દર્શન માટે હજારો ભક્તો પહોંચવાની અપેક્ષા છે. ગણપતિ મંડપમાં ધાર્મિક માહોલ સાથે વિવિધ આયોજન કરવામાં આવે છે. સ્થાનિક ભક્તો ઉપરાંત અમદાવાદના અન્ય વિસ્તારોમાંથી પણ લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. ગણેશોત્સવ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠે છે.

 

 

દક્ષિણી ચા રાજાની વિશેષતા એ પણ છે કે અહીં દર વર્ષે અલગ-અલગ થીમ પર ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે ‘રાજા’ની થીમને કેન્દ્રમાં રાખીને ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. થીમ આધારિત સજાવટ અને ગણપતિની ભવ્ય પ્રતિમાને લઈને ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

દક્ષિણી ચા રાજાના દર્શન માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પહોંચતા સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ તેમની સાથે જોડાયા હતા. મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિતના આગેવાનોની હાજરીમાં ગણપતિ બાપ્પાના દર્શન કરવામાં આવ્યા હતા.

(11:25 PM IST)