તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો છોટાઉદેપુર જિલ્લાનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો
બોડેલી ખાતે સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તથા મધ્ય ગુજરાતના ભાજપાના આદિવાસી આગેવાનો સાથે વિવિધ બેઠકો યોજી સંવાદ કરતા તરુણ ચુઘજી તથા રત્નાકરજી: સંગઠનની વ્યાપકતા વધારવા, દરેક મંડળમાં પ્રત્યેક બૂથની કામગીરી વધુ સક્રિય બનાવવા અને સુદ્રઢ સંકલન સાથે કામગીરી કરવા સંદર્ભે સંગઠનના પદાધિકારીઓ સાથે સંવાદ કરતા તરુણ ચુઘજી:સંવાદ, સંકલન અને ટીમભાવનાને વધુ મજબૂત બનાવી સંગઠનની કાર્યક્ષમતાને નવી ઊંચાઈ આપવા કાર્યકર્તાઓને આહ્વાન કરતાં રત્નાકરજી

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો આજે છોટાઉદેપુર જિલ્લાનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો હતો. તેઓએ બોડેલી સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન-પૂજન કરી પ્રભુ શ્રી સ્વામિનારાયણને સૌ નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. બોડેલી ખાતે આગમન સમયે પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનું ભાજપા આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉષ્માસભર અને આત્મીય સ્વાગત કર્યું હતું.
તરુણ ચુઘજી તથા રત્નાકરજીએ બોડેલી ખાતે જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તેમજ મધ્ય ગુજરાતના ભાજપાના આદિવાસી આગેવાનો સાથે ક્રમશ: વિવિધ બેઠકો યોજી સંગઠનાત્મક કામગીરી, જનસંપર્ક અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીએ સંગઠનની વ્યાપકતા વધારવા, દરેક મંડળમાં પ્રત્યેક બૂથની કામગીરી વધુ સક્રિય બનાવવા અને સુદ્રઢ સંકલન સાથે કામગીરી કરવા સંદર્ભે માર્ગદર્શિત કરી સંગઠનના પદાધિકારીઓને સંગઠનને વધુ જીવંત અને અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સેવાયાત્રના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓકટોબર સુધી આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ચુંટાયેલા જનપ્રતિનિધિ અને સહકારી આગેવાનો સાથેની બેઠકમાં ચુઘે સૌ ચુંટાયેલા સભ્યોને પોતાના વિસ્તારની જનતા સાથે સતત સંપર્કમાં રહી સ્થાનિક પ્રશ્નો અને લોકોની અપેક્ષાઓને સમજવા તેમજ તેના નિરાકરણ માટે અસરકારક રીતે કાર્યશીલ રહેવા અનુરોધ કર્યો હતો. સહકારી ક્ષેત્ર ગ્રામ્ય અર્થતંત્રના સશક્તિકરણનું મહત્વપૂર્ણ માધ્યમ છે ત્યારે ‘સહકાર સે સમૃદ્ધિ‘ના મંત્ર સાથે વિવિધ યોજનાઓના લાભો લાભાર્થી સુધી પહોંચાડવા માટે સક્રિય ભૂમિકા ભજવવા હાકલ કરી હતી. તેમણે આ અવસરે કેન્દ્ર તથા રાજ્યની ભાજપા સરકાર દ્વારા છોટા ઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલા વિવિધ વિકાસકાર્યો અંગે પણ સંવાદ કર્યો હતો.
મધ્ય ગુજરાતના ભાજપાના આદિવાસી આગેવાનો સાથેની બેઠકમાં પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ ગુજરાતની વિકાસયાત્રાનો મહત્વપૂર્ણ ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, માળખાકીય સુવિધાઓ અને આદિવાસી વિસ્તારોના ઝડપી વિકાસ માટે અનેકવિધ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ અને ભાજપાનો સંબંધ એ વર્ષોના પરસ્પર વિશ્વાસ, સંવેદના, સહભાગિતા અને આત્મીયતાનો સંબંધ છે. તેમણે આગેવાનોને આદિવાસી સમાજના દરેક ગામ, પરિવાર અને છેવાડાના નાગરિક સુધી પહોંચી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંગઠનની વાસ્તવિક શક્તિ બૂથના સક્રિય કાર્યકર્તા અને મજબૂત સંગઠનાત્મક વ્યવસ્થામાં રહેલી હોવાનું જણાવી જિલ્લાના તમામ બૂથના સંગઠનાત્મક માળખાને વધુ સક્રિય, સુવ્યવસ્થિત અને પરિણામલક્ષી બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વિવિધ સ્તરના કાર્યકર્તાઓ અને આગેવાનો વચ્ચે સતત સંવાદ, પરસ્પર સંકલન અને ટીમભાવનાને વધુ મજબૂત બનાવી સંગઠનની કાર્યક્ષમતાને નવી ઊંચાઈ આપવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત તરુણ ચુઘજી અને રત્નાકરજીએ દાહોદ લોકસભાના ભાજપાના સાંસદ જશવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને મુલાકાત લઈ તેમના પરિવારજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ દરમિયાન પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદઓ મુકેશભાઈ રાઠવા, જશુભાઈ રાઠવા, છોટા ઉદેપુર જિલ્લા ભાજપા અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પ્રભારી હિંમતભાઈ પડશાળા, સહિત ભાજપાના પદાધિકારીઓ, ધારાસભ્યઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સહકારી અગ્રણીઓ, આદિવાસી સમાજના આગેવાનો તથા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
