તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
વડોદરામાં 'શૌચાલય' ના કારણે ભાજપને વધુ 2 બેઠકનું પતાસું : કરજણ-શિનોરમાં કોંગ્રેસના ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ

વડોદરા જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ ચકાસણી દરમિયાન ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કરજણ અને શિનોર તાલુકા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થતા, આ બંને બેઠકો બિનહરીફ રીતે ભાજપના ફાળે ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ બંને હાઈપ્રોફાઈલ બેઠકો પર ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ ‘શૌચાલય’ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની બારસામણી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હેમલતાબેન વાસદિયા અને ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન રાજ હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને ત્યાં શૌચાલય નહીં હોવાનો ભાજપના ઉમેદવારે રજૂઆત કરી વાંધો ઉઠાવ્યો હતો. તલાટીના રિપોર્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ હોવાથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.
આ મામલે કોંગ્રેસના ઉમેદવારના પતિ વિપુલભાઈએ હૈયા વરાળ ઠાલવતા કહ્યું કે, "અમે વર્ષોથી મામાને ત્યાં રહીએ છીએ અને ત્યાં શૌચાલયની વ્યવસ્થા છે. જો શૌચાલય ન હોત તો વર્ષ 2018માં હું સરપંચ અને વર્ષ 2021માં મારી પત્ની પંચાયત સભ્ય તરીકે કેવી રીતે ચૂંટાયા હોત? તે વખતે ફોર્મ મંજૂર થયું હતું, તો અત્યારે કેમ રદ થયું?"
આવી જ રીતે શિનોર તાલુકા પંચાયતની વિભાગ-1ની બેઠક પર ભાજપના પ્રમોદ વસાવાએ કોંગ્રેસના રમેશ વસાવા સામે શૌચાલય ન હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. આ કિસ્સામાં તલાટીના રિપોર્ટમાં શૌચાલય હોવાનું જણાવાયું હોવા છતાં, અધિકારીએ રૂબરૂ મુલાકાત દરમિયાન ત્યાં શૌચાલય ન મળતા ફોર્મ રદ કર્યું હતું. કોંગ્રેસે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.
વડોદરા જિલ્લા પંચાયતની રણોલી બેઠક પરથી કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના કૈરવીબા જાડેજા બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.
સાવલીમાં પણ રાજકીય સમીકરણો બદલાયા છે. બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીના પ્રયાસોથી સાવલીની વેજપુર બેઠક પર કોંગ્રેસના પાયલબેન રાઠોડે ફોર્મ પરત ખેંચતા ભાજપના ક્રિષ્નાબેન મહેતા બિનહરીફ જાહેર થયા છે. આ ઉપરાંત, કરજણ તાલુકાની ચોરંદા બેઠક પર પણ ભાજપની બિનહરીફ જીત થઈ હોવાની માહિતી મળી છે.
આમ, ચૂંટણીના મતદાન પહેલા જ વડોદરા જિલ્લામાં ભાજપે અનેક બેઠકો અંકે કરી લીધી છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
