<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

પાદરા નગર નાગરિક સહકારી બેંકમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય : તમામ 15 બેઠકો પર કેસરીયો લહેરાયો

બેંક હિત રક્ષક પેનલના 14 ઉમેદવારો બહુમતીથી વિજેતા બન્યા અને એક એસ.સી. ઉમેદવાર બિનહરીફ જાહેર : સહકારી ક્ષેત્રે ભાજપનું વર્ચસ્વ યથાવત

 પાદરા:  પાદરા નગર નાગરિક સહકારી બેંક લિમિટેડની વર્ષ 2026ની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બેંકના કુલ 15 સંચાલકોની નિમણૂક માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ‘બેંક હિત રક્ષક પેનલ’નો સંપૂર્ણ વિજય થયો છે. બેંકના તમામ 15 સભ્યો હવે ભાજપ પ્રેરિત પેનલના ચૂંટાઈ આવતા સભ્યોમાં અને ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

 બેઠકોનું ગણિત અને બિનહરીફ ઉમેદવાર:

બેંકની આ ચૂંટણી કુલ 15 બેઠકો માટે યોજવામાં આવી હતી. જેમાં નિયમોનુસાર 12 પુરુષ ઉમેદવાર, 2 મહિલા ઉમેદવાર અને 1 અનુસૂચિત જાતિ (એસ.સી.) ઉમેદવાર માટેની બેઠકોનો સમાવેશ થતો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના એક એસ.સી. ઉમેદવાર અગાઉથી જ બિનહરીફ જાહેર થયા હતા, જેના કારણે બાકીની 14 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

 

 ચૂંટણી અને જનાદેશ:

ગત તારીખ 12 એપ્રિલના રોજ બેંકની બાકી રહેલી 14 બેઠકો માટે ઉત્સાહપૂર્વક મતદાન યોજાયું હતું. આજે થયેલી મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ‘બેંક હિત રક્ષક પેનલ’ના તમામ 14 ઉમેદવારોએ જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે. આમ, એક બિનહરીફ અને 14 ચૂંટાયેલા મળીને કુલ 15 સભ્યોની ટીમ સાથે ભાજપ પ્રેરિત પેનલે બેંક પર પોતાનું શાસન જમાવ્યું છે.

 

આ વિજય બાદ વિજેતા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, સભાસદોએ બેંકના હિતમાં અને વિકાસના કામોમાં વિશ્વાસ મૂકીને અમને વિજયી બનાવ્યા છે. આગામી સમયમાં બેંકના ગ્રાહકો અને સભાસદોના હિતમાં વધુ પારદર્શક વહીવટ કરવાની નેમ પેનલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

(3:06 PM IST)