તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
રાજપીપળામાં સાડા ત્રણ દાયકાથી 'ચાની લારી ' ચલાવતા ગીતાબેનને ભાજપે વોર્ડ નંબર-7 માંથી મેદાનમાં ઉતાર્યા
ગીતાબેન જણાવે છે કે, "જો એક સમયે ચા વેચતા મોદી સાહેબ દેશના વડાપ્રધાન બની શકતા હોય, તો હું સ્વાભિમાન સાથે ચા વેચતી મહિલા કોર્પોરેટર બનીને મારા નગરની સેવા કેમ ના કરી શકું?"

નર્મદા જિલ્લાના રાજપીપળામાં નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ આ વખતે ચર્ચા કોઈ કરોડપતિ ઉમેદવારની નહીં પણ એક સામાન્ય 'ચાયવાલી'ની થઈ રહી છે. ભાજપે વોર્ડ નંબર-7 માંથી ગીતાબેન પાટણવાડીયાને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ છેલ્લા સાડા ત્રણ દાયકાથી ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. એક સામાન્ય શ્રમિક મહિલાને ટિકિટ આપીને ભાજપે રાજકીય વર્તુળોમાં નવો ફોર્મ્યુલા અપનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે, જે પાયાના કાર્યકરો માટે ગર્વની વાત છે.
ગીતાબેન પાટણવાડીયા રાજપીપળાના કોલેજ રોડ પર નાની એવી ચાની ટપરી ચલાવે છે. છેલ્લા 35 વર્ષથી તેઓ સવાર-સાંજ લોકોને ગરમાગરમ ચા પીવડાવીને પોતાના પરિવારની જવાબદારી ઉઠાવી રહ્યા છે. ભલે તેમનો વ્યવસાય નાનો હોય, પણ તેમના સપના અને જનસેવાની ભાવના ખૂબ મોટી છે. રાજકારણમાં મોટા માથાઓ વચ્ચે ગીતાબેનનું નામ જાહેર થતા જ સ્થાનિક લોકોમાં કુતૂહલ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ગીતાબેન આત્મવિશ્વાસ સાથે જણાવે છે કે, "જો એક સમયે ચા વેચતા મોદી સાહેબ દેશના વડાપ્રધાન બનીને વિશ્વમાં ભારતનું નામ રોશન કરી શકતા હોય, તો હું સ્વાભિમાન સાથે ચા વેચતી મહિલા કોર્પોરેટર બનીને મારા નગરની સેવા કેમ ના કરી શકું?" તેઓ માને છે કે સેવાનો અવસર મેળવવા માટે પદ કરતાં ભાવના વધુ જરૂરી છે. જો તેઓ જીતશે તો વોર્ડના રસ્તા, પાણી અને ગટર જેવા પાયાના પ્રશ્નોને પ્રાથમિકતા આપશે.
ગીતાબેનના પ્રચારમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપાના મંત્રી બિનલબેન રાઠવા પણ જોડાયા હતા. તેમણે ગીતાબેનની લારી પર બેસીને 'ચાય પે ચર્ચા' કરી હતી અને ભાજપ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. બિનલબેને જણાવ્યું હતું કે ભાજપ એક એવી પાર્ટી છે જે સામાન્યમાં સામાન્ય વ્યક્તિની મહેનતની કદર કરે છે અને તેમને જનતાનું પ્રતિનિધિત્વ કરવાની તક આપે છે.
રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર-7 માં હવે ગીતાબેન ઘરે-ઘરે જઈને આશીર્વાદ માંગી રહ્યા છે. તેમની સાદગી અને જમીન સાથે જોડાયેલું વ્યક્તિત્વ મતદારોને આકર્ષી રહ્યું છે. ગીતાબેનનું લક્ષ્ય સ્પષ્ટ છે – સત્તા નહીં પણ સેવા. નગરની પ્રાથમિક સુવિધાઓમાં સુધારો લાવી રાજપીપળાને આદર્શ નગર બનાવવાની નેમ સાથે તેઓ આ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
