News of Monday, 23rd November 2026
ભાજપા માટે સંવિધાન ગૌરવ દિવસ માત્ર ઉજવણી નહીં, પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને બંધારણીય મૂલ્યોને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ :આઇ. કે. જાડેજા
ભાજપા સમર્થિત સરકારે વર્ષ ૧૯૯૦માં ડૉ. બાબાસાહેબ આંબેડકરને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કર્યા :૨૬ નવેમ્બર- સંવિધાન ગૌરવ દિવસ અન્વયે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા ભાજપાના સિનિયર આગેવાન અને રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ. કે. જાડેજા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ૨૬ નવેમ્બર- સંવિધાન ગૌરવ દિવસ અન્વયે ભાજપાના સિનિયર આગેવાન અને રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ. કે. જાડેજાએ ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પ્રસંગે તેમણે સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૫માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે ૨૬ નવેમ્બરને સંવિધાન ગૌરવ દિવસ તરીકે જાહેર કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. આ નિર્ણય દ્વારા દેશના બંધારણના ઘડવૈયા અને લોકશાહીના મજબૂત પાયાના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાનને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય સન્માન આપવાનું કાર્ય થયું છે. આ અગાઉ પણ ભાજપા અને એનડીએની સરકારોએ વિવિધ કાર્યક્રમો અને પ્રયાસો દ્વારા બંધારણનું ગૌરવ વધારવાનું કાર્ય કર્યું છે.
આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરને બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમણે દેશને એવું મજબૂત બંધારણ આપ્યું, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પાયાને મજબૂત બનાવે છે. બંધારણનો મૂળ ઉદ્દેશ દરેક નાગરિકના અધિકારોનું જતન, વ્યક્તિગત સ્વતંત્રતા, રક્ષા અને સુરક્ષાની ખાતરી તથા સમાજના ગરીબ, પીડિત, શોષિત, વંચિત અને પછાત વર્ગોને વિકાસની સમાન તક પૂરી પાડવાનો છે. વર્ષ ૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ બાબાસાહેબના વિચારોને રાષ્ટ્રની વિકાસયાત્રા સાથે જોડવા માટે અનેક ઐતિહાસિક પગલાં લેવામાં આવ્યાં છે. પંચતીર્થની રચના દ્વારા બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સ્થળોને રાષ્ટ્રીય ઓળખ અપાઈ છે, જેથી તેમનું જીવન, સંઘર્ષ અને વિચારો આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્રોત બની રહે. ભાજપા સરકારે માત્ર સ્મારકોના નિર્માણ પૂરતું જ કાર્ય સીમિત રાખ્યું નથી, પરંતુ જનધન યોજના દ્વારા કરોડો લોકોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવા, ડીબીટી મારફતે સરકારી સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં પહોંચાડવા, ઉજ્જવલા યોજના દ્વારા ગરીબ પરિવારોને ગેસ જોડાણ, આયુષ્માન ભારત દ્વારા આરોગ્ય સુરક્ષા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત અભિયાન જેવી અનેક યોજનાઓ દ્વારા છેવાડાના માનવીનું સશક્તિકરણ કરવાનું કાર્ય કર્યું છે. આ તમામ પ્રયાસો બાબાસાહેબના સામાજિક ન્યાય, સમાનતા અને સશક્તિકરણના વિચારોને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જાડેજાએ જણાવ્યું હતું કે, આજે રાહુલ ગાંધી હાથમાં બંધારણની નકલ લઈને વિવિધ કાર્યક્રમો અને પ્રદર્શનો કરે છે, પરંતુ કોંગ્રેસનો ઇતિહાસ બંધારણની ભાવનાના ઉલ્લંઘનથી ભરેલો છે. બંધારણની નકલ હાથમાં રાખવી અને તેના મૂલ્યોનું પાલન ન કરવું એ કોંગ્રેસની બેવડી માનસિકતા દર્શાવે છે. દેશ કટોકટીના કાળા દિવસોને ક્યારેય ભૂલી શકે તેમ નથી. તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ મૂક્યો અને હજારો નાગરિકોને જેલમાં ધકેલી દીધા હતા. આ બંધારણની ભાવનાની ખુલ્લેઆમ અવગણના હતી.
તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનકાળમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને પણ યોગ્ય સન્માન આપવામાં આવ્યું નહોતું. સંસદના સેન્ટ્રલ હોલમાં તેમની તસવીર મૂકવા માટે પણ યોગ્ય સન્માન અને પહેલનો અભાવ રહ્યો હતો તથા તેમને જીવિત અવસ્થામાં સતત અન્યાય કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના શાસનમાં તેમને ભારત રત્ન પણ આપવામાં આવ્યો નહોતો; જ્યારે ભાજપા સમર્થિત એનડીએ સરકારના શાસનકાળમાં વર્ષ ૧૯૯૦માં તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વધુમાં, કલમ ૩૭૦ અંગે બાબાસાહેબે વ્યક્ત કરેલા વિરોધનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, કાશ્મીરને લગતી આ જોગવાઈના કારણે દેશની એકતા અને અખંડિતતાના પ્રશ્નો ઊભા થયા હતા. કોંગ્રેસે પોતાના શાસનકાળમાં કલમ ૩૫૬નો પણ વારંવાર દુરુપયોગ કર્યો હતો અને વિવિધ રાજ્યોની ચૂંટાયેલી અનેક સરકારોને બરખાસ્ત કરી અંદાજે ૯૦ વખત રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. આમ, જે કોંગ્રેસ આજે બંધારણના રક્ષણની વાત કરે છે, તેના જ શાસનમાં બંધારણનું સૌથી વધુ વખત અપમાન થયું છે.
આઇ. કે. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને સાચા અર્થમાં સમર્થન આપીને તેને જનજન સુધી પહોંચાડવા માટે સતત કાર્યરત છે. બાબાસાહેબના સામાજિક ન્યાય, સમાનતા અને સર્વસમાવેશક વિકાસના વિચારોને કેન્દ્રસ્થાને રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. દેશના કરોડો જરૂરિયાતમંદ નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું કાર્ય આ યોજનાઓ દ્વારા થયું છે.
તેમણે કહ્યું કે, ભાજપા માટે સંવિધાન ગૌરવ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાન, તેમના વિચારો અને તેમના સંઘર્ષને સાચું સન્માન આપવાનો સંકલ્પ છે. બીજી તરફ, બંધારણના નામે રાજનીતિ કરતી કોંગ્રેસે પોતાના શાસનકાળમાં બંધારણનું વારંવાર અપમાન અને ઉલ્લંઘન કર્યું છે. આજે બંધારણની નકલ લઈને ફરનારા લોકોના આવા બેવડા વલણને દેશની જનતા સારી રીતે સમજી રહી છે.
આ પત્રકાર પરિષદમાં ગાંધીનગર મહાનગર ભાજપા પ્રમુખ આશિષભાઈ દવે, મેયર રૂપસિંહ ઠાકોર, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જ કલ્પભાઈ પટેલ તથા શહેર મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતાં
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
